ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં થતો હતો પરંતુ હવે આ વિભાગને બદનામીથી ઉગારવાના પ્રયાસ થતાં હવે ભ્રષ્ટાચારે દિશા બદલી છે. છૂપી રીતે આ ભ્રષ્ટાચાર ખાણ-ખનીજ વિભાગમાં પ્રવેશી ચૂક્યો છે.
રાજયમાં મહેસૂલ, ગૃહ અને શહેરી વિકાસ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે તેવા વિપક્ષી આક્ષેપો અવાર નવાર થતાં હોય છે પરંતુ વિપક્ષના નેતાઓએ ખાણ અને ખનીજ વિભાગ તરફ નજર કરવાની જરૂર છે. હવે જ્યારે મુખ્યમંત્રી કચેરી અને ઉદ્યોગ વિભાગનું ધ્યાન ખાણ અને ખનીજ વિભાગ તરફ ગયું છે ત્યારે વિભાગના ઉચ્ચ અધિકારીઓને સરકારે આદેશ કર્યો છે કે વિભાગનો ભ્રષ્ટાચાર શોધી કાઢો.
રાજ્યમાં રેતીમાં સૌથી મોટી રોયલ્ટી ચોરી થાય છે. એ ઉપરાંત બીજા ખનીજોમાં પણ ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ભ્રષ્ટ્રાચારના મૂળમાં ખાણ-ખનીજ માફિયાઓની બનાવેલી એક રીંગ કામ કરે છે જેનું સંચાલન અમદાવાદમાંથી થાય છે. આ રીંગમાં વિભાગના કર્મચારીઓ તેમજ અધિકારીઓ પણ સંડોવાયેલા છે.ખાણ-ખનીજ વિભાગમાં વર્ષોથી ભ્રષ્ટાચાર થાય છે પરંતુ છેલ્લા એક વર્ષમાં અગાઉના વર્ષો કરતાં ત્રણ ગણો ભ્રષ્ટાચાર થયો છે. બદનામ થઇ રહેલા આ વિભાગમાં ખાણ-ખનીજના ઉત્ખનન સ્થળોએ ડ્રોનની મદદથી ચેકીંગ થતું હતું પરંતુ ડ્રોન ઉડાવનારા પ્રામાણિક અધિકારીઓને સરકારે જ બદલી નાંખ્યા પછી આ વિભાગમાં રોયલ્ટી ચોરીનું એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.
છેલ્લા ચાર મહિનામાં ભૂસ્તર અને વિજ્ઞાનની ટીમોએ રાજ્યના 500 સ્થળોએ ઓચિંતા દરોડા પાડ્યા હતા જેમાં 125 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે. ચોંકાવનારી બાબત એવી છે કે રાજ્યમાં રેતીની ચોરી હંમેશા રાત્રે જ થતી હોવા છતાં વિભાગની ફ્લાઇંગ સ્ક્વોર્ડ રાત્રી ચેકીંગ કરવાનું ટાળી રહી છે. રાજ્ય સરકારે ખનીજ ચોરી માટે ઉડાવેલા ડ્રોન પણ અત્યારે ધૂળ ખાઇ રહ્યાં છે. ભ્રષ્ટાચારી કર્મચારીઓ અને ખનીજ માફિયા તેને તોડી મરોડી રહ્યાં છે.