ઘણીવાર ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે જ્યારે પોલીસને જાણ કરવામાં આવે ત્યારે બાતમી આપનારનુંજ નામ પોલીસ દ્વારા અસામાજીક તત્વોને આપી દેતા તેનો જીવ જોખમમાં મુકાતો હોવાની વાત સામે આવી છે.
અમદાવાદ ખાતે ઠક્કરબાપા નગર ખાતે રહેતા ભાજપના કાર્યકર રાજેન્દ્રસિંહ રાજપૂતે વડોદરા જિલ્લાના વરણામા પોલીસ મથક હદમાં આવતા રતનપુર ગામમાં લાલો અને અણખી ગામમાં રણજીત નામનો બૂટલેગર વિદેશી દારૂનું મોટાપાયે વેચાણ કરતા હોવા અંગે બંને લિસ્ટેડ બૂટલેગર વિરુદ્ધ વડોદરા ગ્રામ્ય કંટ્રોલ રૂમના ફોન નંબર 2423888 ઉપર કોલ કરીને માહિતી આપી પગલાં ભરવા વરધી લખાવતાજ માત્ર અડધા કલાકમાં જ રતનપુર અને અણખીના બૂટલેગરોના માણસોએ 3 જુદા જુદા મોબાઈલ નંબરો પરથી ધમકીઓ આપવાનું શરૂ થયું હતું.
ધમકી આપનાર ઈસમોએ જણાવ્યું હતું કે, અમે વર્ષોથી ધંધો કરીએ છીએ, અમારું કોઈ કશું બગડી શકે નહિ. તારા જેવા બહુ કાર્યકરો આવી ગયા. તને જિંદગી વહાલી હોય તો અમારી વચ્ચે પડતો નહિ કહી ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપતા રાજેન્દ્ર સોલંકીએ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ઇપીકો કલમ 507, 294 (બી) અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાજપના કાર્યકર રાજેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કંટ્રોલમાં ફોન કર્યાની ગણતરીની મિનિટોમાં જ બૂટલેગરોના પોતાના મોબાઈલ પર ધમકીઓ આપવા માંડતા પોલીસે જ પોતાનો નંબર બૂટલેગરોને આપી દીધો હોવાની શંકા પ્રબળ બની છે.