રાજ્યમાં આણંદ જિલ્લામાં આભ ફાટ્યું છે અને બોરસદ અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડતાં ભાદરણ, સીસવા સહિતના વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિ ઉભી થતાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, રાત્રિ દરમિયાન છ કલાકમાં લગભગ સાડા અગિયાર ઈંચ ધોધમાર વરસાદ પડતા ઠેરઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. મધરાતે ગાજવીજ સાથે તોફાની વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને સમગ્ર બોરસદ તાલુકો પાણી-પાણી થઈ ગયો હતો. મધરાતે અચાનક ધોધમાર વરસાદ પડતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો રાતભર જાગ્યા હતા.
ભારે વરસાદમાં બોરસદ તાલુકામાં અનેક પશુઓના મોત નીપજ્યા હોવાના પણ અહેવાલ છે.
બોરસદ તાલુકાના કસારી ગામે સંજય પટેલ (ઉં.વ.૪૮) વરસાદના પાણી તણાઈ જતાં મોત થયુ છે જ્યારે સીસવા ગામે પણ એક વ્યક્તિ પાણીમાં ગરક થવાનો કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ રવાના થઈ છે.
આ વિસ્તારમાં ભારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.
