રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ હવે નજીકમાં છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ જોવાય રહ્યો છે કારણકે કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ ભાજપમાં જતા રહયા છે તેવે સમયે કોંગ્રેસ દ્વારા આવતી કાલે તા.10મીના રોજ મોંઘવારી-બેરોજગારી સહિતના મુદ્દે સાંકેતિક બંધનું એલાન કરવામાં આવ્યું છે.
દરમિયાન વડોદરાની મુલાકાતે આવેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે ભાજપે ભારત તોડો-રાજ કરોની નીતિ અપનાવી છે,તેની સામે કોંગ્રેસ દેશને જોડવા માટે અભિયાન શરૂ કર્યું છે.
રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી, કથળતા કાયદો-વ્યવસ્થા સહિતના મુદ્દે કોંગ્રેસે 10મી તારીખે સાંકેતિક બંધનું એલાન કર્યું છે. જેમાં સવારે 8થી 12 લોકોને સાંકેતિક બંધમાં જોડાવવા અપીલ કરી છે.
તેઓએ જણાવ્યું કે, ગુજરાતની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી કમાન સંભાળે તેવી કોંગ્રેસના કાર્યકરોની ઈચ્છા છે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવે અને કોંગ્રેસ કાર્યકરોનું મનોબળ વધારે તો ગુજરાતમાં કોંગ્રેસને પરિણામ મળી શકે તેમ છે.
ભારત જોડો યાત્રા પર પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે કરેલા કટાક્ષ સામે તેમણે કહ્યું કે, કોંગ્રેસ દેશને જોડવા ભારત જોડો યાત્રા કાઢી રહી છે. જ્યારે ભાજપ ભારત તોડો અને રાજ કરોની નીતિ અપનાવી રહી છે.