ગુજરાતના ભરૂચમાં આવેલા કોવિડ -19 કેર સેન્ટરમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાથી 16 લોકોનાં મોત નીપજ્યાં છે અને અનેક ઘાયલ થયા છે. અન્ય દર્દીઓને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ પટેલ વેલ્ફેર હોસ્પિટલના સમર્પિત COVID-19 કેર સેન્ટરમાં આગ લાગવાના કારણે રાત્રે 12:30 વાગ્યે ભરૂચમાં 16 લોકોનાં મોત નીપજ્યાં છે.
રિપોર્ટ અનુસાર જોતા જોતામાં આગે આઈસીયુ વોર્ડને ઝપેટમાં લઇ લીધો હતો, જેના કારણે દર્દીઓને બચવાનો મોકો પણ મળી શક્યો ન હતો. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અન્ય દર્દીઓને સિવિલ, સેવાશ્રમ, જંબુસર અલ મેહમૂદ હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાય
ભરૂચમાં કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં આગની ઘટનામાં મોતને ભેટેલાઓના પરિવારજનોને રાજ્ય સરકાર આર્થિક મદદની જાહેરાત કરી છે. મૃતકના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી રાહત નિધીમાંથી આપવાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. આ સાથે જ તેઓએ મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરીને પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
વધી શકે છે મૃત્યુઆંક
અકસ્માતનો ભોગ બનેલા ઘણા દર્દીઓની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. માનવામાં આવે છે કે મૃત્યુઆંક વધી શકે છે. કોવિડ સેન્ટરમાં આગ કયા કારણોસર હતી તે કારણે તે હજુ સુધી સાફ થઈ શકાયું નથી. જોકે, એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હશે.
ભરૂચના એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું, “આઈસીયુમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. બાદમાં તેનાં પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. શરૂઆતમાં, આ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત નિપજ્યાં હતાં. જો કે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. ફાયર વિભાગને રાત્રે 12.55 વાગ્યે આગ અંગે માહિતી મળી. “