પાટીદાર સમાજમાં એક સમયે યુવા લીડર તરીકે સરકારની ઊંઘ હરામ કરી દેનાર હાર્દિક પટેલે આખરે C.R પાટીલના હસ્તે કેસરિયો અને માજી ડેપ્યુટી સીએમ નીતિન પટેલના હસ્તે ભાજપની ટોપી પહેરી લીધા બાદ જાણે કે અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયા હોવાનું જણાય રહ્યું છે.
જોકે,મોટાભાગના ભાજપમાં જોડાયેલા નેતાઓની આ હાલત છે કે જેઓ ભાજપમાં જોડાયા ન હતા તે પહેલાં સતત ભાજપ વિરોધી નિવેદનો કરતા હતા પણ હવે ભાજપની જાદુઈ ટોપી પહેરી લીધા બાદ જાણે કે ગાયબજ થઈ ગયા છે.હાર્દીક સિવાય જયરાજસિંહ પણ ક્યાય દેખાતા નથી.
હાર્દિક પટેલને ભાજપના સિદ્ધાંતો ગમ્યા અને મોદીજીની કામ કરવાની રીતભાત ખુબજ પ્રભાવિત કરી ગઈ અને ભાજપની ટોપી પહેરી લીધી પણ હવે તેઓ જાહેરમાં ખુબજ ઓછા નજરે પડી રહયા છે જેથી લોકોમાં આ સ્વાભાવિક સવાલો ઉઠી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેઓએ પોતાનું કોઈ સાંભળતું નહિ હોવાની મુખ્ય ફરિયાદ કરતા હતા અને જેતે સમયે સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખેલા પત્રમાં લખ્યું હતું કે, છેલ્લાં 3 વર્ષથી મેં જોયું છે કે, કોંગ્રેસ પાર્ટી માત્ર વિરોધની રાજનીતિ કરવા પૂરતી સીમિત રહી ગઈ છે. દેશની જનતાને એવા વિકલ્પની જરૂર છે જે તેમના ભવિષ્ય વિશે વિચારે, દેશને આગળ લઈ જવાની ક્ષમતા રાખે.
વધુમાં લખ્યું છે કે, દેશ લાંબા સમયથી અયોધ્યામાં શ્રી રામ મંદિર, CAA-NRC મુદ્દો, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદી, GST લાગુ કરવું વગેરે બાબતે ઉકેલ ઈચ્છતો હતો જેમાં કોંગ્રેસ માત્ર અડચણરૂપ બનવાનું કામ કરી રહી હતી. આ સાથે જ હાર્દિક પટેલે કોંગ્રેસની ટોચની નેતાગીરીમાં કોઈ પણ મુદ્દે ગંભીરતાનો અભાવ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. વધુમાં કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
જોકે,ત્યારબાદ ભાજપમાં જોઇન થયા પણ હજુ તેઓ સક્રિય નહિ થતા લોકોમાં આ મામલે ફરી ચર્ચાઓ શરૂ થઈ છે કે આ ભાજપની ટોપીમાં એવી કઈ તાકાત છે કે તે પહેર્યા પછી તે વ્યક્તિ લગભગ ‘અલોપ’ની સ્થિતિમાં આવી જાય છે.