ગુજરાત સરકાર ના રાજકારણ માં ભાજપ માં હવેજનસંધના નેતાઓ કરતાં કોંગ્રેસના નેતાઓ વધી જતા એક અજીબ પ્રકાર નો માહોલ જોવા મળી રહ્યો છે અને પાર્ટી ના મૂળ સિદ્ધાંતો ભુલાયા હોવાની છાપ ઉભી થઇ છે. આપને જણાવી દઈએ કે ભાજપ ને ૧૯૯૫માં હિન્દુત્વ ઉપર બહુમતી મળી હતી અને તે સમયે જે ભાજપ હતું તેનાથી વિપરીત આજના ભાજપમાં ૨૨ ટકા કોંગ્રેસી નેતાઓ પાર્ટીમાં પોતાનું સ્થાન ધરાવે છે. સત્તા અને સંખ્યાબળ ટકાવી રાખવા માટે ભાજપે ૨૦૦૨થી ૨૦૧૯ સુધીની વિધાનસભાની ચાર અને લોકસભાની બે ચૂંટણીમાં પાર્ટીમાં આયાતી ઉમેદવારો અને ભરતી કરી છે. ભાજપે વિધાનસભામાં બેઠકોની સંખ્યા વધારવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં ઘુસાડી દીધા છે. અને આજ પ્રકારે લોકસભાની ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં પણ પાર્ટીના નબળા ઉમેદવારોને જીતાડવા માટે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ અપાવ્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય કે સંસદસભ્ય ભાજપમાં જોડાય એટલે સ્વાભાવિક છે કે તેમના સમર્થકો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાય છે તેથી સંગઠનમાં પણ કોંગ્રેસના કાર્યકરોનું ભાજપીકરણ થયું છે.
ભાજપની સરકાર અને સંગઠનમાં ૨૨ ટકા નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા છે.
ગુજરાત કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા મોટા નેતાઓ કે જેમાં સાંસદો તેમજ ધારાસભ્યોનો સમાવેશ થાય છે તેની સંખ્યા ૫૭ થવા જાય છે. એટલે કે ગુજરાતમાં ભાજપની સરકાર અને સંગઠન છે તેમાં ૨૨ ટકા નેતાઓ કોંગ્રેસમાંથી આવેલા છે. સમાજમાં વર્ચસ્વ ધરાવતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ભાજપે સરકાર અને સંગઠનમાં મહત્વના હોદ્દા આપ્યા છે. જેમ કે બલવંતસિંહ રાજપૂતને ભાજપની સરકારે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં ચેરમેન બનાવ્યા છે, જ્યારે મહેસાણાના કોંગ્રેસના માજી સાંસદ જીવાભાઇ પટેલને ભાજપે ગુજરાત મિનરલ ડેવલમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેનનું પદ આપી દઈ શાંત પાડી દીધા છે. ૨૦૦૨ની વિધાનસભાની ચૂંટણી પછી અત્યાર સુધીમાં કોંગ્રેસના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યોની ભાજપમાં સંખ્યા ૫૭ થવા જાય છે. એ ઉપરાંત કોંગ્રેસે ચૂંટણીમાં મેળવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે જિલ્લા અને તાલુકા પંચાયત અને નગરપાલિકાના સભ્યોને તોડીને કોંગ્રેસનું શાસન ભાજપે કબ્જે કર્યું છે.
ભાજપમાં અત્યારે કોંગ્રેસીઓ ની સંખ્યા વધી ગઈ છે. હાલ શીન એવો છે કે મોટા નેતાઓની સાથે તેમના સમર્થકો અને સાથીઓ પણ ભાજપમાં જોડાયા હોવાની ૩૫ જેટલી ઘટનાઓ ગુજરાતમાં બની ચુકી છે જેમાં કોંગ્રેસના કાર્યકરોની સંખ્યા ૪૫૦૦ કરતાં વધુ જોવા મળે છે. ૨૦૧૭ની વિધાનસભાની ચૂટણીમાં ભાજપે પક્ષાંતર કરાવીને કોંગ્રેસના નેતાઓને પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી બાય બાય કરીને ભાજપમાં આવેલા કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને કેબિનેટમાં મહત્વના પદ આપવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ ભાજપ ને વર્ષોથી વફાદાર રહેલા અને ચૂંટાઇને ધારાસભ્ય બનતા સિનિયર સભ્યો મંત્રીપદ વગર ના રહી ગયા છે પણ કોંગ્રેસ માંથી ભાજપ માં આવેલા નેતાઓ ને સરળતા થી મહત્વના પદ મળી જાય છે. ગુજરાત ભાજપને જાણે કે કોંગ્રેસીઓ ને ખોળા માં બેસાડવાનો ચસ્કો લાગ્યો છે. આ બધા વચ્ચે પાર્ટીના પાયાના કાર્યકરો માં પણ સ્પષ્ટ અણગમો જોવા મળી રહ્યો છે.
