રાજ્યમાં ખુબજ ચકચારી લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં વગોવાયેલા અને કલેકટર પદનો દુરુપયોગ કરવા મામલે IAS ઓફિસર કે.રાજેશની CBIએ ધરપકડ કરતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
IAS ઓફિસર કે.રાજેશને ગાંધીનગર લઈ જવાયા હતા.
કે.રાજેશને અમદાવાદ સ્થિત સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કે.રાજેશ 2011 બેચના IAS અધિકારી છે. ધરપકડ પહેલા સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી.
અગાઉ આ અધિકારી સામે સીબીઆઈએ તપાસનો ગાળીયો ફિટ કર્યો હતો અને ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર ઉપરાંત આંધ્રપ્રદેશ સ્થિત વતનના નિવાસસ્થાને એકસામટા દરોડા પાડવામાં આવ્યા હતા. જમીનની ફાઈલો ક્લીયર કરવામાં તથા હથિયાર લાયસન્સ ઇસ્યુ કરવામાં જંગી ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે એપ્રિલ ૨૦૧૮થી મે ૨૦૨૧ સુધી હથિયારોના કુલ ૨૭૧ પરવાના ઇસ્યુ કર્યા હતા જેમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે
આ સિવાય સુરતના ઉત્રાણ ખાતે સિલ્વર બિઝનેસ પોઈન્ટમાં કે.રાજેશની 2 દુકાનો છે જે બજાર ભાવ કરતાં સસ્તા ભાવે ખરીદવામાં આવી હતી. અત્યારે આ બન્ને દુકાનો બેંક ઓફ બરોડાના ભાડા કરાર પર હતી. અહીં કે.રાજેશ વતી રફીક મેમણ રૂપિયાની હેરાફેરી કરતો હતો. જેના રૂપિયા કાપડની દુકાનના એકાઉન્ટમાં IASના નામે આવતા હતા. અગાઉ જેતે વખતે કે. રાજેશ સુરતમાં DDO તરીકે ફરજ બજાવતા હતા
રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતાં તે સમયે લાયસન્સ ઇશ્યુ કરવા મામલે અને સરકારી જમીન વિવાદમાં તેમનું નામ ઉછળ્યુ હતું.
સરકારી જમીન દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં થયેલા કૌભાંડનો રેલો પણ આ અધિકારી સુધી પહોંચતા આખરે સીબીઆઈએ તેઓની ધરપકડ કરી તેઓ સામે લાગેલા આક્ષેપ મુદ્દે તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.