રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં વડોદરા સહિત છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના અહેવાલ છે જ્યારે બોડેલીમાં 16 ઈંચ અને પાવી જેતપુરમાં 10 ઈંચ, છોટાઉદેપુરમાં 9 ઇંચ અને કવાંટમાં 8 ઇંચ વરસાદ પડતા આ વિસ્તારો બેટમાં ફેરવાયા છે,બોડેલીમાં 40 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ અને નર્મદાના સાગબારામાં પાંચ ઈંચ અને ડેડિયાપાડામાં પાંચ ઈંચ વરસાદ ભારે વરસાદ પડયો હોવાના અહેવાલ છે. ભારે વરસાદને પગલે પ્રતાપનગર-છોટાઉદેપુર રેલવે લાઇન પર બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઇ જતા પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી હતી.
આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ થતા જનજીવન ખોરવાઇ જવા પામી છે.
બોડેલીમાં ભારે વરસાદને કારણે રામનગર સોસાયટી, દિવાનફળીયા, રાજનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. રાજનગરમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં 40 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. બોડેલીના મુખ્ય માર્ગો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને પગલે પલાસની કાળીડોળી પુલનો એપ્રોચ તૂટતાં રસ્તો બંધ થઈ ગયો છે. ચલામલી-બોડેલી રોડ પર હાઇસ્કૂલ પાસે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એક પેટ્રોલ પંપ પણ પાણીમાં ડૂબી ગયો હોવાના અહેવાલો મળી રહયા છે.
આમ,ભારે વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદના વાવડ છે.