ઉપરવાસમાંથી પાણીનો ફ્લો વધતા નર્મદા ડેમના 23 ગેટ ખોલી નાખવામાં આવ્યા છે અને પાંચ લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં ભરૂચ અને નર્મદાના 40 ગામોને એલર્ટ કરાયા છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે ત્યાં મોટાભાગના ડેમ છલકાઇ ગયા છે પરીણામે ત્યાંથી છોડવામાં આવતા પાણી સરદાર સરોવરમાં આવતા
સરદાર સરોવર ડેમ પણ 80 ટકા ઉપર ભરાઇ ગયો છે અને ડેમની હાલની સપાટી 134.58 મીટર છે જયારે મહત્તમ સપાટી 138.68 મીટર છે.
દરમિયાન શનિવારથી નર્મદા ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી.
સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી 5.11 લાખ કયુસેક પાણી આવી રહ્યું છે જેની સામે ડેમમાંથી 5.11 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 23 ગેટ 3.25 મીટરની સપાટીથી ખોલી 5 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે જયારે રીવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરી 45 હજાર કયુસેક પાણી છોડાઇ રહયું છે.
નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે. ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, મોટા વાંસલા, ઇન્દ્રવર્ણા અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના રેંગણ અને વાંસલા તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ (રામપુરા), ગુવાર, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા અને પોઈચા ગામોના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જરૂર પડ્યે સ્થળાંતર કરવામાં આવશે.