ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીમહારાજ વહેલી સવારે 2:30 કલાકે બ્રહ્મલીન થતા સર્વત્ર શોક ની લાગણી પ્રસરી ગઈ છે. આજે સવારે 8:30થી 9:30 એટલે કે એક કલાક સુધી ભક્તોને સરખેજના ભારતી આશ્રમમાં તેમના અંતિમ દર્શન કરી શકશે. સદગત બાપુ ના નશ્વરદેહને જુનાગઢના ભારતી આશ્રમ ખાતે લઈ જવાશે. જ્યાં સમાધિ આપવામાં આવનાર છે.
ભારતીબાપુનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો.4 જાન્યુઆરી 1965ના દિવસે તેઓએ દિગંબર દીક્ષા લીધી હતી. ત્યારબાદ 21 મે 1971ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી તેમજ 1992માં મહામંડલેશ્વર બન્યા હતા.
ભારતીબાપુએ પુરષોત્તમ લાલજી મહારાજના વ્યસન મુક્તિના સંદેશ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં અભિયાન ચલાવ્યું હતું. ભારતીબાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેઓ એ અનેક સેવા કર્યો કર્યા હતા અને પોતાના આશ્રમ માં મફત શિક્ષણ અને મફત દવાઓ આપવાનું સેવાકાર્ય ચાલુ છે.
ભારતીબાપુ સરખેજમાં આવેલા ભારતી આશ્રમમાં આર્યુવેદિક ઔષધાલય ચલાવતા હતા. અહીં દર્દીઓને મફતમાં સારવાર અને દવાઓ પણ આપવામાં આવતી હતી. ભારતી આશ્રમ સ્વયસંચાલીત ગુરુકુળ પણ ધરાવે છે જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ઉચ્ચશિક્ષણ આપવામાં આવે છે. ભારતી આશ્રમમાં તમામ તહેવારો ધાર્મિક કાર્યક્રમો પ્રાચીન પરંપરા મુજબ યોજાય છે.
બાપુ ના દેહાંત થી ભક્તો માં ખુબજ શોક ની લાગણી પ્રસરી છે.