ગુજરાતમાં કોરોના મહામારીન બીજી લહેરનો પ્રકોપ ધીમો પડી રહ્યો છે. આ દરમિયાન 18 વર્ષથી મોટી વયના લોકોને કોરોના રસી મૂકવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં આવતીકાલ શુક્રવારથી તમામ રાજ્યોમાં 18થી 44 વય જૂથના તમામ નાગરિકોને કોરોના રસી મૂકવાનો નિર્ણય લીધો છે. આ વય જૂથ માટે દરરોજ સવા બે લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવશે. ગુજરાત સરકારે જે ત્રણ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે અંતર્ગત રાજ્યના તમામ 33 જિલ્લાના 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં દરરોજ 3 લાખ ડોઝ આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આ રસીકરણ અંતર્ગત દરરોજ આશરે સવા બે લાખ જેટલા યુવાઓને આ રસીકરણ કેન્દ્રો પરથી વિનામૂલ્યે રસીકરણમાં આવરી લેવાશે. 18 થી 44ની વયજૂથના યુવાનો જેમણે રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને એસ.એમ.એસ. દ્વારા તેમના વેક્સિનેશન માટેનું સ્થળ, સમય અને સ્લોટની જાણ કરવામાં આવશે.
રાજ્યમાં 45 થી વધુની વયના લોકોને પણ કોરોના વેક્સિન આપવાની કામગીરીમાં રોજના 75 હજાર લોકોને વેક્સિન અપાશે. આમ, રાજ્યમાં 4 જૂનથી દરરોજ 3 લાખ જેટલા લોકોને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાનું મહાઅભિયાન હાથ ધરાશે.