ગુજરાત સહિત દેશભરમાં આગામી ૧ મેથી એટલે કે આવતી કાલથી ૧૮થી ૪૪ વર્ષની વયજૂથનાને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવશે. જો કે, ગુજરાતમાં પણ ૧લી મેથી રસીકરણનું આ અભિયાન શરૂ થશે કે કેમ તેને લઇને અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. ગુજરાત પાસે હાલમાં ૪.૬૨ લાખ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરીજનોને રસીકરણના અભિયાન અંગે માહિતગાર કરતા જણાવ્યું કે, ‘શહેરમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ખાતે 1લી મે 2021થી કુલ 80 રસીકરણ સેશન સાઇટ ખાતે 18થી 44 વર્ષની ઉંમરના તમામને રસી આપવામાં આવશે.’
વધુમાં જણાવ્યું કે, ’18થી 44 વર્ષની વયજૂથના લાભાર્થીઓ માટે નક્કી કરવામાં આવેલ કોવિડ રસીકરણની કુલ 80 સેશન સાઇટ મ્યુનિસિપલ/પ્રાઇવેટ સ્કૂલોમાં રાખવામાં આવેલ છે જેની માહિતી આ સાથે એનેક્ષર-એ મુજબ શામેલ છે. જ્યારે 44થી વધુ ઉંમરનું રસીકરણ રાબેતા મુજબ અર્બન હેલ્થ સેન્ટર / હોસ્પિટલ અને કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવશે. AMC એ 18થી 44 વર્ષની વયજૂથના લાભાર્થીઓ માટેની વેક્સિનેશન સાઇટની યાદી પણ બહાર પાડી છે.
અત્રે નોંધનીય છે કે, રોનાની સ્થિતિ વચ્ચે આવતીકાલથી રાજ્યમાં રસીકરણના વધુ એક તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, ભરૂચ અને મહેસાણાને રસી અપાશે, બીજી તરફ રજિસ્ટ્રેશન કરનારને મળશે વેક્સિન, ઓછા સ્ટોક વચ્ચે સરકારે નિર્ણય લીધો છે.
આજ રોજ રાજ્યમાં કુલ દર્દીઓની વાત કરીએ તો હાલમાં કુલ 1,42, 046 એક્ટિવ કેસો, 613 દર્દીઓ વેન્ટિલેટર પર, 1,41,433 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે તો કુલ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 7183 એ પહોંચી છે.