નર્મદા જિલ્લામાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલને GMERS સાથે સંલગ્ન કરાયાં બાદ મેડિકલ કોલેજની મંજૂરી મળે તે અગાઉ ગાંધીનગરથી આવેલા આરોગ્ય વિભાગના અધિકારીઓના ઇન્સપેક્શન દરમિયાન દર્દીઓ વધુ બતાવવાના ચક્કરમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને નકલી દર્દી બનાવી બેડ ઉપર સુવડાવી દેવાના પ્રયાસનો ભાંડાફોડ થયો છે.
સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજની મંજુરી આપતાં પહેલાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ રાજપીપળાની સિવિલ હોસ્પિટલના ઇન્સપેકશન માટે આવી હતી તે દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવી રહયાં છે અને તેમની સારી રીતે સારવાર થઇ રહી હોવાનું બતાવવા માટે સત્તાધીશોએ જીતનગર પાસે આવેલી નર્સિંગ કોલેજના 29 જેટલા છાત્રોને દર્દી બતાવી તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યાં હોવાની વાત સામે આવતાંજ ભારે ચકચાર મચી ગઇ હતી.
આ વિદ્યાર્થીઓને જુદાજુદા વોર્ડમાં દર્દી તરીકે બેડ પર સુવડાવી દેવામાં આવ્યાં હતાં,જોકે હોસ્પિટલના સૂત્રોએ પોતાના બચાવમાં જણાવ્યું કે એતો તાલીમના ભાગરૂપે વિદ્યાર્થીઓને બેડ ઉપર સુવડાવવામાં આવ્યા હતા.
રાજપીપળાની જૂની સિવિલ હોસ્પિટલની ક્ષમતા 80 બેડની હતી પણ આ ઇમારત 103 વર્ષ જૂની હોવાથી હોસ્પિટલને નવી જગ્યાએ કાર્યરત કરવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલની ક્ષમતા 150 બેડની કરવામાં આવી છે. ગાંધીનગરથી આવેલી ટીમને હોસ્પિટલમાં દર્દીઓ આવી રહ્યાં છે તેમ બતાવવા ઓપીડીમાં પણ 150 કરતાં વધારે દર્દીઓ બતાવવામાં આવ્યાં હતાં.