રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટી માટે ખાલી જગ્યોઓ ભરવાનો રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય કર્યો છે,વિગતો મુજબ કૃષિ મંત્રીની ઉપસ્થિતીમાં યુનિના કુલપતિઓની મળેલી બેઠકમાં ચર્ચા વિચારણા બાદ રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની 2197 જગ્યાઓ સત્વરે ભરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોને સરકારી સેવા દ્વારા જનહિતલક્ષી કાર્યો કરવાનો લાભમળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેના ભાગરૂપે રાજ્યમાં ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટી વિવિધ સંવર્ગની 2197 જગ્યાઓ ભરવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તા. 14-09-2022 ના રોજ ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીના કુલપતિઓ સાથે યોજાયેલ બેઠકમાં ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ચાલુ વર્ષ દરમ્યાન યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ વિદ્યાશાખાના પોલીટેકનિક, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમમાં પ્રવેશ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
તેમણે ઉમેર્યુ કે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ કેડરની શૈક્ષણિક સંવર્ગની 853 અને બિન શૈક્ષણિક 1344 સંવર્ગની જગ્યાઓ મળી કુલ 2197 જગ્યાઓ ભરવાની કાર્યવાહી સત્વરે શરૂ કરાવામાં આવશે.