વડોદરા સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વડોદરામાં મુખ્યત્વે આકાશ વાદળોથી ગોરંભાયેલું જોવા મળી રહ્યું છે અને હળવા વરસાદી ઝાપટા પડવાનું ચાલુ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં વડોદરા,અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરુચ, નવસારી, સુરત, વલસાડ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન રાજ્યમાં કુલ અંદાજે 14.45 મિમી વરસાદ થયો હોવાનું નોધાયું છે.
ઉત્તર અરબી સમુદ્ર નજીકના વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધતા તેની અસરથી રાજ્યમાં 16 થી 17 જૂને ગાજવીજ સાથે વરસાદ થશે. અમદાવાદમાં થંડરસ્ટોર્મની અસર હેઠળ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે