રાજ્યભરમાં આજથી વરસાદનો બીજો તબક્કો શરૂ થયો છે અને આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન તેમજ ઓફશોર ટ્રોફ પણ એક્ટિવ થયુ છે અને પૂર્વપશ્ચિમનું શિયર ઝોન પણ આગળ વધવાની શક્યતાઓને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ થવાની આગાહી થઈ છે.
આજે રાજ્યના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
આણંદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપી અને સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, રાજકોટ અને દીવમાં ભારે વરસાદ થવાની શકયતા છે.
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં હળવાથી તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે અને જરુરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.
આગામી ચાર દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે જેમાં આજથી સોમવાર સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે તે હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે.
—શુક્રવાર: ભરૂચ, સુરત, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, બોટાદ, પોરબંદર, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા.
—શનિવાર: નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી,અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આણંદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી.
—રવિવાર: નવસારી, વલસાડ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા. ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી.
—સોમવાર: બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે પરંતુ કેટલાક ભાગોમાં અતિથી અતિભારે વરસાદ થઈ શકે છે.
દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ થયો છે, કાલાવડમાં બે કલાકમાં જ ધોધમાર બે ઇંચ વરસાદ પડ્યો છે.
ભાણવડ શહેરમાં પોણો ઇંચ વરસાદ રાત્રી સુધીમાં પડયો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં બપોરના સુમારે અડધાથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
ગતરોજ ગુરુવારે રાજ્યના 120 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો.
કપડવંજ તાલુકાના ખુમજીના મુવાડા ગામે વીજળી પડવાને કારણે 16 વર્ષના કિશોરનું કરૂણ મોત થયું હતુ, માતર તાલુકાના આસામલી ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા 3 પરિવારજનો દબાઈ થતાં ઇજાગ્રસ્ત થયા હતા.