આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને કોરોના કાળના 2 વર્ષ બાદ ફરી 100 ટકા હાજરી સાથે સ્કૂલો ચાલુ થઈ છે.
જોકે,આજે પ્રથમ દિવસે સ્કૂલોમાં હાજરી પાંખી જોવા મળી રહી છે,આજે સવારની પાળીમાં બાળકો પોતાના વાલીઓ સાથે સ્કૂલે જતા નજરે પડયા હતા.
35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજે સોમવારથી રાજ્યભરનીસ્કૂલો શરૂ થઇ ગઈ છે,અગાઉના બે વર્ષ કોરોનાને કારણે સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ હતું અને ઓનલાઈન શિક્ષણનો બાળકોને નવો અનુભવ થયો હતો જેથી પરીક્ષામાં ઘણીજ તકલીફ ઊભી થઈ હતી કારણકે ઓનલાઈન માં સરખું ભણી નહિ શકેલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપતી વખતે ગોખણ પટ્ટીનો સહારો લેવો પડ્યો હતો.
જો કે, આ વખતે પણ સ્કૂલો શરૂ થતાં પહેલાં જ કોરોનાના કેસમાં વધારો થતાં સ્કૂલોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કરાવવું પડશે. સ્કૂલ સંચાલકોએ આ માટે તૈયારીઓ અને સૂચના આપી છે.
આ વખતે ગત વર્ષની સરખામણીએ સ્ટેશનરીમાં 30 ટકા અને યુનિફોર્મમાં 40 ટકાનો ભાવ વધારો થયો છે અને અન્ય સ્કૂલ બેગ સહિતની વસ્તુઓના ભાવ વધ્યા છે ત્યારે બીજીતરફ બજારોમાં સરકારી શાળાઓની ધોરણ 1થી 12ની ચોપડીઓ મળતી નથી. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની ટેક્સ્ટબુક હજી તૈયાર ન થઇ હોવાથી બાળકોને મળી નથી આવા માહોલ વચ્ચે શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી.