રાજ્યમાં મોટાભાગે વાદળીયું હવામાન છે અને હાલમાં દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. 24 અને 25 જૂને વલસાડ, નવસારી, ડાંગ, વાપી, સુરત અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે અરબી સમુદ્ર પર સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિવાય રાજસ્થાન પર પણ સિસ્ટમ સક્રિય બની છે. અને વધુ એક વરસાદ લાવે તેવી સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમના લીધે આગામી દિવસોમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
અગામી તા.24મી જૂને થંડરસ્ટ્રોમ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે આગામી દિવસોમાં રાજ્યના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. બીજી બાજુ માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગે સૂચના આપી છે. જોકે અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે