રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ પડવાનું શરૂ થયું છે અને જ્યાં પડે ત્યાં એક સાથે વરસાદ પડી રહ્યો છે.
મળી રહેલા અહેવાલો મુજબ જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું છે અને 16 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
દરમિયાન વીતેલા 48 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં 1થી 16 ઈંચ સુધીનો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ જિલ્લામાં આજે પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભેસાણમાં આજે સવારે 2 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ધરમપુરમાં 5 ઈંચ અને ધારીમાં સાડા ચાર ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે.
અમદાવાદ અને વડોદરામાં પણ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર બાદ આજે પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે.