રાજ્યમાં ખેડૂતોના જમીન માપણી સહિત જમીન સંપાદન, પાક વીમામાં અન્યાય, ખાતરમાં ભાવવધારો તેમજ કેનાલ ચેકડેમ સહિતના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહિ આવતા ખેડૂત સંગઠનો હવે એકજૂથ થઈ આંદોલન કરશે.
ગુજરાત કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ અને કિસાન સભા સહિતના સંગઠનોની આગેવાનીમાં યોજાયેલી વિવિધ બેઠક બાદ હવે આગામી તા.18મીએ અમદાવાદ ખાતે યોજાનારી મુખ્ય બેઠકમાં સરકાર સામે લડતનો તખ્તો ઘડી કાઢવામાં આવનાર છે.
ખેડૂતોના વણઉકેલ્યા પ્રશ્નોમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરી તેના વિકલ્પ સ્વરૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ અન્યાય થયો છે. ક્લાઇમેટ ચેન્જથી કૃષિપાકને અને ખેડૂતોને ખૂબ જ નુકસાન થઇ રહ્યું છે સામે ખેડૂતોને વીમા સુરક્ષા મળતી નથી. તો આ સિવાય જમીન માપણીમાં ગરબડ-ગોટાળા છતાં પ્રશ્નો ઉકેલાતા નથી. આ પ્રકારની માહિતી આપતા ખેડૂત નેતા ડાયાભાઇ ગજેરાએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબી, માળિયા નર્મદા કેનાલના કામો બાકી છે, અનેક ચેકડેમો એવા છે જેની મરમ્મત થઇ નથી.
ધરતીપુત્રોની આવક બમણી કરવાની વાતો વચ્ચે ખાતર-બિયારણના ભાવમાં વધારો ઝીંકાયો છે તદ્ઉપરાંત ખાતર નકલી છે કે ઓરિજિનલ તે અંગે ચેકિંગ થતું ન હોઇ, જેનો ભોગ ગામડાંઓમાં ખેડૂતો બની રહ્યા છે. આ પ્રકારના પ્રશ્નોને લઇને અગાઉ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં સુરતમાં ત્યાર બાદ સૌરાષ્ટ્ર કક્ષાની રાજકોટમાં અને ત્યાર બાદ ઉત્તર ગુજરાત માટેની મહેસાણામાં બેઠક યોજાઇ હતી. સરકાર સામે લડત આપવા માટે તમામ સંગઠનોને આગળ આવવા જાહેર અપીલ કરવામાં આવી છે.
