ગુજરાતમાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં 16 તાલુકામાં 1 ઈંચથી 4 ઈંચ વરસાદ વરસ્યો છે,જેમાં સૌથી વધુ વરસાદ જામનગર શહેરમાં ચાર કલાકમાં ચાર ઈંચ નોંધાયો છે.
કાલાવડમાં બે કલાકમાં જ ધોધમાર બે ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે ભાણવડ લાલપુરમાં પોણો ઇંચ અને જામજોધપુરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
જામનગર-દેવભૂમિ દ્વારકામાં વરસાદના ઘોરીમાસ ગણાતા અષાઢ માસ દરમિયાન લગભગ સિઝનનો સરેરાશ અડધો વરસાદ વરસી ગયો છે
ધંધુકામાં 2 કલાકમાં પોણા 4 ઈંચ વરસાદ પડ્યો છે. જોટાણામાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ, જ્યારે મહેસાણા શહેર અને ધોળકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢના ભેસાણમાં સાડા 4 ઈંચ ખાબક્યો છે. પાટણના સરસ્વતીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. પોરબંદર અને વીજાપુરમાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો છે. મુંદ્રા અને લાખણીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 19 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 47 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
જ્યારે મહેસાણા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસતા મોઢેરા રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે પાલનપુર પાસેથી પસાર થતા અમદાવાદ-આબુ હાઈવે પર પાણી ભરાયા હતા. હાઈવે પર ભુવો પડી જતા એક ટ્રક પલટી ગઈ હતી. જેના કારણે બે કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી.
મહેસાણા તાલુકા સહિત જિલ્લાભરમાં મધરાત્રે કડાકા ભડકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.મોડી રાત્રે પડેલા વરસાદને કારણે મહેસાણા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.ત્યારે વર્ષો જૂની મહેસાણા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. સવારે પણ મહેસાણા શહેરમાં મેઘમહેર યથાવત રહે છે. બે કલાકમાં શહેરમાં બે ઈંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. મોઢેરા રોડ, ભમરીયું અને ગોપીનાળામાં પાણી ભરાયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે દિવસ દરમિયાન અને મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં આજે સવારે છ વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન દાંતામાં 61 મિમિ, દિયોદરમાં 60 મિમિ, પાલનપુરમાં 76 મિમિ, લાખણીમાં 81 મિમિ, થરાદમાં 41 મિમિ, વાવમાં 18 મિમિ, ધાનેરામાં 25 મિમિ, દાંતીવાડામાં 33 મિમિ, અમીરગઢમાં 33 મિમિ, વડગામમાં 43 મિમી, ડીસામાં 39 મિમિ, ભાભરમાં 35 મિમિ, સુઈગામમાં 33 મિમિ, કાંકરેજમાં 36 મિમિ વરસાદ વરસ્યો હતો.
પાટણ જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સરસ્વતી તાલુકામાં 100 મીમી, રાધનપુર 21 મીમી, પાટણ 46 મીમી, હારીજ 5 મીમી, ચાણસ્મા 2 મીમી વરસાદ નોંધાયો છે.