કોરોનાની સ્થિતિ એ હવે ભાન કરાવી દીધું છે કે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ સુવિધાઓ ના આયોજન માં ક્યાંક ગોથું ખવાઈ ગયું છે.
પ્રવાસન માં કમાણી થશે તેમ માની મોટેરા સ્ટેડિયમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી માં કરોડો નો ખર્ચ થઈ ગયો તેની સામે હોસ્પિટલ,બેડ,વેન્ટી લેટર,ઓક્સિજન વગરે માં ખર્ચ નું આગોતરું આયોજન ખાસ કરીને વસ્તી ની સામે થયુ હોત તો કદાચ હાલ આ યુદ્ધ જેવી સ્થિતિ માં પરિસ્થિતિ ઉપર કન્ટ્રોલ થઈ શક્યો હોત.
પણ ખૈર હવે મોડે મોડે રાજ્ય સરકારે કેબિનિટ બેઠકમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી તેમના વિસ્તારની સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ સાધનો વસાવવાની મંજૂરી આપી છે. અગાઉ ધારાસભ્યોને 25 લાખની મર્યાદામાં મેડિકલ સાધનો માટે ગ્રાન્ટનો ઉપયોગ કરવાની છૂટ હતી, જેને હવે દૂર કરવાની સાથોસાથ આવા સાધનો માટેની ગ્રાન્ટ જીએમએસસીએલ હસ્તક મૂકી તેના મારફતે જ ખરીદી થાય તેવી વ્યવસ્થા હતી જે પણ દૂર કરાઇ છે, જેથી ધારાસભ્યો આરોગ્યલક્ષી સુવિધાના કામ સીધા સૂચવી શકશે.
ગૃહમંત્રી પ્રદીપસિંહે કહ્યું કે, મુખ્યમંત્રીએ મંત્રીઓને 3 દિવસ માટે તેમના પ્રભારી જિલ્લામાં રૂબરૂ જઇને કોરોના સંક્રમણને નિયંત્રિત કરવાની અને દર્દીઓની સારવારની કામગીરી અંગે વહીવટી તંત્ર સાથે માર્ગદર્શન કરવાની સૂચના આપી છે. બીજી તરફ આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવા સરકારે સહકારી સંસ્થાઓને તેમના ધર્માદા ફંડમાંથી ખર્ચ કરવાની મંજૂરી આપી છે. આગામી 30 સપ્ટેમ્બર સુધી આ ફંડમાંથી આરોગ્યલક્ષી સેવાઓ માટે ખર્ચ કરી શકાશે.
આમ હાલ ઉભી થયેલી કટોકટી માં અનેક લોકો માત્ર સારવાર ના અભાવે મોત ને ભેટ્યા છે તેમાં સિસ્ટમ નો દોષ હતો લોકો હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ માં જ દમ તોડ્યા છે જે પડી ભાંગેલા તબીબી માળખા ની ગવાહી પૂરે છે જે રીતે દેશ ની સુરક્ષા માટે સૈનિકો,આધુનિક હથિયારો ની જરૂર પડે છે તેજ રીતે ક્યારેક આવી પડનારા ઝેરી વાયરસ સમયે અધ્યતન તબીબી માળખું હોસ્પિટલ ,સ્ટાફ,સાધનો હોય તો આ યુદ્ધ જેવી સ્થિતિ માં લોકો ને સારવાર આપી શકાય છે અને લોકો ના જીવ બચાવી શકાય છે આ વાત શાસકો એ ન ભૂલવી જોઈએ તેવું લોકો માં ચર્ચાઈ રહ્યું છે.