ગુજરાતમાં કોરોના ના નવા કેસો ધડાધડ વધતા લોકો પરેશાન થઈ રહ્યા છે જો ઘર માં બેસી રહે તો ખાય શુ ? કંઇક ને કંઈક કામ કરવા અને ખરીદી કે અન્ય કામો માટે લોકો બહાર જઇ રહ્યા છે અને કોરોના સંક્રમણ નો ભોગ બની રહ્યા છે.
રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 4 હજારને પાર થઇ ગયો છે છેલ્લા 24 કલાકમાં 4021 નવા કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં સુરત શહેરમાં 14, અમદાવાદ શહેરમાં 8 અને જિલ્લામાં 1, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને વડોદરા શહેરમાં 2-2, અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર અને વડોદરા જિલ્લાના 1-1 મળી કુલ 35 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 20 હજારને પાર થઈ ગયો છે. કોરોના મામલે દિવસે ને દિવસે ગુજરાતની પરિસ્થિતિ ગંભીર બની રહી છે.
છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના રોજ 3000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જે વધીને હવે 4000 થઈ જતા લોકોમાં ફરી હવે કોરોનાનો ડર ઊભો થયો છે, જેમાં અમદાવાદ અને સુરતમાં તો સૌથી વધુ કેસ આવી રહ્યા છે. હાલ જે કેસ નોંધાઇ રહ્યા છે એમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ દર્દીઓને ક્રિટિકલ સમયમાં રાહત આપવા માટે પ્રાઇમરી સ્ટેજ પર રેમડિસિવિર ઈન્જેકશન આપવામાં આવે છે, જે ઇન્જેક્શન મળતા નથી વલસાડ માં પણ આ ઇન્જેક્શન નહિ મળતા સ્વજનો અટવાયા હતા.
કોરોના સંક્રમણના વધતા કેસ અને દર્દીઓ તથા ક્રિટિકલ કન્ડિશન જોતાં રેમડેસિવિર ઇન્જેક્શનની માગમાં વધારો થઈ રહ્યો છે. દર્દીના સંબંધીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ઇન્જેક્શન મળતાં નથી. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રેમડેસિવરની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું, જોકે હાલતમાં કોઈ સુધારો નથી થયો, આજે પણ લોકો લાઈનમાં કલાકો ઊભા રહે છે છતાં ઈન્જેક્શન મળતાં નથી.
વલસાડ, સુરત,વડોદરા,અમદાવાદ માં પણ આ ઇન્જેક્શન ની અછત જણાઈ રહી છે.
વલસાડ જિલ્લામાં ગત સાંજ થી આ ઇન્જેક્શન ની અછત સર્જાતાં દર્દીઓ મુશ્કેલી માં મુકાયા હતા.
