રાજ્યમાં કોરોના નું સંક્રમણ વધી ગયું છે અને હવે રોજના 2000થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. માત્ર અમદાવાદમાં જ 600થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે, સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ હવે કોરોના ના દર્દીઓથી ઉભરાઇ રહી છે અને છેલ્લા 15 દિવસમાં જ 12 હોસ્પિટલો અને 700 બેડ વધારવાની તંત્ર ને ફરજ પડી છે,
બીજી તરફ હવે કોરોના લક્ષણો બદલી રહ્યો છે,કોરોનાના નવા લક્ષણોમાં ઝાડા ઊલટી અને આંખોમાં બળતરા જેવા લક્ષણો પણ જોવા મળ્યા છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દાખલ દર્દીઓમાં સાત ટકા જેટલા દર્દી એવા છે જેમને શરદી-ખાંસી-તાવ જેવા લક્ષણોની સાથે ઝાડા-ઊલટીના પણ લક્ષણો છે, એટલું જ નહિ પરંતુ ત્રણ ટકા જેટલા દર્દીઓમાં આંખોમાં બળતરા થતી હતી.
વાયરસના જિન્સમાં ફેરફારની શક્યતાને પગલે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, અત્યારે કોઈ લક્ષણો ન હોવા છતાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે, આ સ્થિતિમાં સિવિલમાંથી કેટલાક દર્દીઓના સેમ્પલ પૂણે મોકલવામાં આવ્યા હોવાનું સૂત્રો કહે છે. કોરોનાની પેટર્ન બદલાઈ રહી છે, જેને લઈ તબીબો પણ મુંઝવણ અનુભવી રહ્યા છે. અગાઉ દર્દીઓ માં શરદી-ખાંસી-તાવ-અશક્તિ લાગતી હોય તો તેવા લોકો કોરોનાનો ટેસ્ટ કરાવતાં હતા પરંતુ હવે આવા લક્ષણો ન હોય તેવા લોકો પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે જે ખુબજ ચોંકાવનારી બાબત છે.
તંત્ર હવે લોકો ને આ મહામારી થી બચવા ભીડ માં નહિ જવા તેમજ માસ્ક ફરજીયાત રાખવા જણાવવામાં આવી રહ્યું છે.
