ગુજરાતપોલીસ ખાતા માં કામ કરતા પોલીસકર્મીઓ અનિયમિતતા ને લઈ બીમારીઓ નો ભોગ બની રહ્યા હોવાનું રીપોર્ટ માં બહાર આવ્યું છે. રાજ્ય માં અમદાવાદ એકલા ની વાત કરવામાં આવે તો અહીં 30 ટકા પોલીસ કર્મચારીઓ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એનિમિયા, મસા, ભગંદર જેવી ગંભીર બીમારીઓ થી પીડાતા હોવાની વિગતો બહાર આવી છે. રિપોર્ટ માં એ પણ ખુલાસો થયો છે કે 10 ટકા પોલીસ કર્મચારીઓ પાન, મસાલા, બીડી, સિગારેટ સહિતના વ્યસનના બંધાણી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદના પોલીસ કર્મચારીઓનું દર વર્ષે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેમાં આ વાત બહાર આવી છે.
નોંધનીય છે કે અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું 2006 ના વર્ષથી દર વર્ષે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેના માટે દરેકને હેલ્થ કાર્ડ પણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. શાહીબાગ ખાતેની પોલીસ વેલ્ફેર હોસ્પિટલ તેમજ કેટલીક ખાનગી હોસ્પિટલોમાં પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનું દર વર્ષે ફ્રી માં મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. આ રિપોર્ટ પ્રમાણે
2018 – 2019ના વર્ષમાં અમદાવાદના 6000 પોલીસ કર્મચારીઓનું મેડિકક ચેકઅપ થયુ હતુ. જેમાંથી 1530 પોલીસ કર્મચારીઓ વ્યસનના બંધાણી, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મસા , ભગંદર, ચામડીના રોગથી પીડાતા હોવાનું તેમના મેડિકલ રિપોર્ટમાં પૂરવાર થયુ છે.
પોલીસ કર્મચારીઓમાં પાન, મસાલા, બીડી, સિગારેટ તેમજ દારૂ પીવાની ટેવ જેવા વ્યસન છે તેમજ ગુટખા ને કારણે પોલીસ કર્મચારીઓમાં મોંઢું ઓછું ખૂલતું હોવાનું પ્રમાણ વધ્યું છે. 6000 પોલીસ કર્મચારીઓમાંથી 50 એવા છે કે જેમને મોઢું ઓછું ખુલતું હોવાની સમસ્યા થઇ છે.
પોલીસ કર્મચારીઓની નોકરી 8 કલાકની હોય છે. પરંતુ દરેક પોલીસ 2થી 15 કલાક નોકરી કરે છે. નોકરીના સમયની અનિયમિતતાથી તેમને ખાવા, પીવા તેમજ સૂવાનો સમય પણ અનિયમિત બની જાય છે. જેના કારણે પોલીસ કર્મચારીઓમાં બીમારીનું પ્રમાણ વધારે જોવા મળતું હોવાનું જણાયું છે. આમ જનતા ના રક્ષણ માટે તૈનાત પોલીસ જવાનો માં બીમારીઓ વધી હોવાનું તારણ બહાર આવતા ડિપાર્ટમેન્ટ દ્વારા યોગ્ય પગલાં ભરાય તે જરૂરી છે.
