કોરોના ની મહામારી માં રાજ્ય સરકારે લીધેલા મોટા નિર્ણય માં રાજ્યમાં હવેથી પોલીસ વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાના દંડ સિવાય અન્ય બીજા કોઈ દંડની વસૂલાત નહીં કરી શકે અને ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ હાલ પોલીસ દ્વારા કોઈ દંડ વસૂલી નહિ શકે અને વાહન પણ ડિટેઇન નહિ કરી શકે.
ગાંધીનગર ખાતે આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વાહનવ્યવહાર મંત્રી આર સી ફળદુ તેમજ ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને આ અંગેની સૂચના આપી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ કેબિનેટની બેઠકમાં હાલ કોરોનાની સ્થિતિને જોતાં આ નિર્ણય કર્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા નિયમ ભંગ બદલ વાહનો ડિટેઈન કરાય છે, તેને છોડાવવા રાજ્યભરની RTO કચેરીમાં ભારે ભીડ થતા કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો રહે છે. અત્યારે કોઈ પણ સ્થળે ભીડ ભેગી ન થાય તે રાજ્ય સરકારની અગ્રિમતા છે આ બાબતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે.
ટ્રાફિક પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરી વાહનો ડિટેઈન કરાય છે. આ ડિટેઈન કરાતા વાહનો પર બેથી આઠ હજાર રૂપિયા સુધીનો દંડ વાહનચાલકોને કરવામાં આવે છે. આ ઉપરાંત ડિટેઈન કરેલા વાહનોને છોડાવવા માટે વાહનચાલકોના RTO કચેરીમાં ધક્કા-ફેરા વધી જાય છે. આ કારણે મોટાપાયે કોરોના સંક્રમણ ફેલાવાનો ડર રહેલો હોવાની રાજ્ય સરકાર સમક્ષ વ્યાપક રજૂઆતો થઈ હતી. આને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.
હજી ગત સપ્તાહે 16 એપ્રિલના રોજ અમદાવાદ સુભાષબ્રિજ RTO કચેરીના 25 કર્મચારી એકસાથે કોરોનાગ્રસ્ત થયા હતા તેમજ વસ્ત્રાલ RTO કચેરીમાં પણ પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા. જેમાં ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ક્લાર્ક સહિતના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આરટીઓ કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવે છે, આથી જ સંક્રમણ ફેલાવવાનો ડર સતાવી રહ્યો છે. આનેપગલે RTO કચેરીમાં સઘળી કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવી હતી.
જો કે, મુખ્યમંત્રીએ આ બેઠકમાં સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ ટુ-વ્હીલર હશે કે ફોર-વ્હીલર, તેમાં બેઠેલા વાહનચાલક ઉપરાંત સહચાલકે પણ માસ્ક નહીં પહેર્યું હોય તો વ્યક્તિદીઠ રૂ. 1000નો દંડ વસૂલવાનું ચાલુ રખાશે. ટ્રાફિક પોલીસ પણ માસ્ક વિના દંડ વસૂલવાની કામગીરી ચાલુ રાખશે.
આ અંગે મંત્રી યોગેશ ભાઈ પટેલે રજૂઆત કરી હતી કે વાહનો ડિટેઇન થતા કોરોના મહામારી માં મોટો દંડ ભરવા જનતા હેરાન થાય છે અને કોરોના માં હોસ્પિટલમાં જવા આવવામાં મુશ્કેલીઓ પડતી હોય મુખ્યમંત્રી એ નિર્ણય લીધો હતો.