રાજ્ય માં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી નો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં આગામી 14મીથી 16મી ઓક્ટોબર સુધીમાં હળવો વરસાદ પડવાની આગાહી કરતા હવે ફરી વરસાદ પડે તેવા સંજોગો છે અને ત્રણ દિવસ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડવાની શકયતા છે.
સુરત શહેરના લઘુતમ તાપમાનમાં અડધો ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટોબર મહિનામાં પહેલી વખત રાત્રીનું તાપમાન 25 ડિગ્રીથી નીચે 24.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. રાત્રીનું તાપમાન ઘટતાં મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે.
ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારમાં રાત્રીના સમયે ઠંડી અનુભવાઇ રહી છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેવી જ રીતે હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા અને પવનની મહત્તમ ઝડપ પ્રતિકલાક 08 કિલોમીટરની નોંધાઇ હતી. આમ રાજ્ય માં સવારે શિયાળો , બપોરે ગરમી અને હવે વરસાદ ની આગાહી થી ત્રણ ઋતુઓ નો એક સાથે અનુભવ થશે.
