રાજ્ય માં ગતરોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ અને કરા પડવાની ઘટનાઓ બાદ હવે આગામી 24 કલાક દરમિયાન રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગઈકાલે રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ વચ્ચે કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને કરા પડ્યા હતા.
આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક ભાગોમાં સાંજના સમયે વરસાદી છાંટાથી લઇને ઝાપટા પડી શકે છે, તેમજ આગામી ચાર દિવસોમાં રાજ્યમાં ગરમીનો પારો વધવાની વકી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં બપોર બાદ એકાએક સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થતા સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાયવ્યના તેજ પવનને કારણે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે 12 વાગ્યા સુધી આ સિસ્ટમ એક્ટિવ રહી શકે છે. આ સ્થિતિમાં તેજ આંધી પણ આવી શકે છે. જો કે, આંધીની મહત્તમ ગતિ કલાકના 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
