ગાંધીનગરઃ ગુજરાતમાં દિવાલી બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધતા તંત્ર દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે. જોકે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા રાત્રી બજારમાં વેપાર-ધંધો કરતા વેપારીઓમાં અંદરખાને રાત્રી કરફ્યુ હટાવવાની માંગણી થઇ રહી છે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે મોટું નિવેદન આપ્યુ છે. ગૃહરાજ્ય મંત્રીએ કહ્યુ કે, હાલ તો રાત્રી કરફ્યુ હટાવવામાં નહીં આવે.
ઉલ્લેખનિય છે કે, દિવાળી બાદ કોરોનાના વધેલા કેસોને લઇને હાલમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફયૂ લાદવામા આવ્યો છે અને તે 1લી જાન્યુઆરી સુધી અલમમાં રહેશે.
ગૃહમંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, હાલ તો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કરફ્યુ હટશે નહીં.
ગુજરાતમાં કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોની સંખ્યા ઘટતા રાત્રિ કરફયૂને લઇને ખાણીપીણીના ધંધાર્થીઓ તેમજ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા અનેક ક્ષેત્રના લોકોએ રાત્રિ કરફયૂમાં છૂટછાટ આપવાની માંગ કરી છે. કરફયૂનો સમય ગાળો ઘટાડવાની માંગ પણ કરી છે. કેમકે ઘણા સેક્ટરમાં રાત્રિ કરફયૂના કારણે બિઝનેસને વ્યાપક અસર પડી છે. ખાસ કરીને થોડા દિવસમાં 31 ડિસેમ્બર પણ આવી છે ત્યારે રાત્રિ કરફયૂ હટે તેવી પ્રબળ માંગ હતી પરંતુ હાલમાં રાત્રિ કરફયૂ નહીં જ હટે તેવી સ્પષ્ટ જાહેરાત પ્રદિપસિંહે કરતા તમામ ક્ષેત્રના લોકોની આશા પર પાણી ફરી વળ્યુ છે.