અમદાવાદઃ કોરોના મહામારીમાં અમદાવાદના વહીવટીતંત્રના કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવાના અમાનવીય નિર્ણય સામે જનાક્રોશ જોઇને તંત્ર છેવટે ઢીલુ પડ્યુ છે. અમદાવાદ મ્યુનિસિયલ કોર્પોરેશને આજે પરિપત્ર જારી કરીને જાહેરાત કરી છે કે, હવે અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે 108 એમ્બ્યુલન્સમાં આવવુ જરૂર નથી. ઉપરાંત અમદાવાદ કે ગુજરાત બહારનું આધારકાર્ડ હશે તો પણ કોરોના સંક્રમિત તમામ દર્દીઓને એએમસીની કોરોના હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે.
અમદાવાદીઓ માટે રાહતના સમાચાર
- 108 વગર જ હોસ્પિટલમાં દાખલ થઇ શકશે દર્દી
- HCની ફટકાર બાદ સરકારે બદલ્યો નિર્ણય
- ખાનગી વાહનમાં પણ દર્દી જઈ શકશે હોસ્પિટલ
- AMC ક્વોટામાં દાખલ થવા 108ની જરૂર નથી
- AMC ક્વોટામાં દાખલ થવા આધાર કાર્ડની જરૂર નથી
- આવતીકાલ સવારથી 8 વાગ્યાથી લાગુ પડશે નિયમ
કોવિડની સારવાર કરતી શહેરની તમામ હોસ્પિટલોને આદેશ કરવામાં આવ્યા છે કે રાજ્ય સરકારના પોર્ટલ પર જોડાઇને જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી પ્રત્યેક હોસ્પિટલે દર્શાવવી પડશે. આ ઉપરાંત પ્રત્યેક હોસ્પિટલોએ બહારની સાઇડે લોકોને દેખાય તે રીતે બોર્ડ પર ઉપલબ્ધ બેડની માહિતી આપવાની રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી અને કોવિડની સારવાર આપતી હોસ્પિટલોએ આ નિર્દેશોનું પાલન 29મી એપ્રિલના રોજ સવારે 8 વાગ્યાથી અચૂકપણે કરવાનું રહેશે. આ સમય તૈયારીઓ માટે આપવામાં આવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટની ફટકાર પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલાક મહત્વના નિર્ણય કર્યા છે જેમાં 108 સેવા માટેના કન્ટ્રોલ રૂમનું સંચાલન એએમસીના અધિકારીઓ તથા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્તરીતે કરવામાં આવશે.