અમદાવાદઃ ગુજરાતમાં ભયજનક કોરોનાની સ્થિતિએ સામાન્ય માણસની ઉંઘ ઉડાડી દીધી છે.ત્યારે રાત્રિ કરફ્યૂ દરમિયાન 108 એમબ્યુલન્સને સાયરન વગાડવા પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. ખાનગી એમબ્યુલન્સના સાયરનને લગાડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. જોકે રાત્રિદરમિયાન ટ્રાફિક હોય તો જ સાયરન વગાડવાની છૂટ આપવામાં આવી છે. એમ્બ્યુલન્સના સાયરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો થાય છે અને આ ડરનો માહોલ ઉભો ન થાય માટે રાત્રિ દરમિયાન એમબ્યુલન્સની સાયરન લગાવવા પર પ્રતિબંધ મુકાયો છે.
કોરોના વાયરસ એક અજગરની જેમ ગુજરાત ફરતે પોતાનો ભરડો દિવસેને દિવસે વધારી રહ્યો છે. સતત ૧૭માં દિવસે કોરોના વાયરસે નવી સપાટી વટાવતાં વધુ ૮,૯૨૦ નવા કેસ સામે આવ્યા છે.
અમદાવાદ, સુરતમાં ૨૬-૨૬ સહિત રાજ્યભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૪ વ્યક્તિને કોરોના ભરખી ગયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૮૪,૬૮૮ જ્યારે કુલ મરણાંક ૫,૧૭૦ છે. આ પૈકી એપ્રિલના ૧૬ દિવસમાં જ ૭૬,૯૯૦ કેસ નોંધાયા છે જ્યારે ૬૫૧ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૩૭૨ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૫૦ હજારની નજીક છે. હાલમાં ૪૯,૭૩૭ એક્ટિવ કેસ છે જ્યારે ૨૮૩ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર ૭ દિવસ અગાઉ રાજ્યમાં ૨૨,૬૯૨ એક્ટિવ કેસ હતા.