ઉત્તર ગુજરાતમાં માં સ્થાનિક કક્ષાએ મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં મહેસાણાના દૂધસાગર ડેરીના રૂ. 22 કરોડના સાગરદાણ કૌભાંડ માં ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી એવા વિપુલ ચૌધરીની CID ક્રાઈમની ટીમે ગાંધીનગરથી ધરપકડ કરી લેવામાં આવી છે નોંધનીય છે કે મહેસાણાની દૂધસાગર ડેરીની આગામી 5મી જાન્યુઆરીએ ચૂંટણી માટે સત્તાવાર જાહેરાત થયા ને ગણતરીના કલાકોમાં જ તેમની ધરપકડ થઈ છે.
ડેરીનાં ડિરેક્ટર અશોક ચૌધરીએ આરોપ લગાવ્યો હતો કે, વિપુલ ચૌધરીએ ડેરીનાં કર્મચારીઓને વધારાના બે પગાર પ્રોત્સાહનરૂપે આપી રૂ. 12 કરોડની ચૂકવણી કરી હતી. તેમાંથી કર્મચારીઓ પાસેથી 80 ટકા રકમ ઉઘરાવીને પોતાને જે સાગર દાણ કૌભાંડનાં રૂ. 9 કરોડ જમા કરાવવાના હતા તે રકમમાં ભરપાઈ કરી છે અશોક ચૌધરીએ વધુમાં આરોપ લગાવ્યો કે, વિપુલે એક ષડયંત્ર રચીને આ પ્રકારે ડેરીના નાણાંની હેરાફેરી કરી છે.
ગયા વર્ષે એટલે કે 2019ના ઓક્ટોબર મહિનામાં મહેસાણા કોર્ટે દૂધ સાગર ડેરીમાં 22 કરોડના સાગરદાણ કૌભાંડ મામલામાં વિપુલ ચૌધરી સહિત કુલ 22 વ્યક્તિઓ સામે 5 વર્ષ બાદ તહોમતનામું મંજૂર કરાયુ હતું. વિપુલ ચૌધરીએ રૂપિયા 22 કરોડનું સાગર દાણ મહારાષ્ટ્રમાં આપ્યું હતું. જે મામલે ઘડાયેલા તહોમતનામામાં વિપુલ ચૌધરી સહિત અન્ય તમામ આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા.વર્ષ 1995માં ભાજપની કેશુભાઈની સરકાર સામે બળવા બાદ શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં રચાયેલી રાજપા સરકારમાં વિપુલ ચૌધરી ગૃહ પ્રધાન અને વાહન વ્યવહાર પ્રધાન બન્યા હતા. જોકે બાદમાં શંકરસિંહ વાઘેલા સાથે મતભેદો ઊભા થતાં તેમનો સાથ છોડી દીધો હતો અને ફરીથી ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધ સાગર ડેરીના ચેરમેન બન્યા હતા. જોકે સમય જતા બન્ને પદ જતા રહ્યા હતા. દરમ્યાન વિપુલ ચૌધરીને CID ક્રાઈમની ટીમે ગાંધીનગરથી મોડી રાત્રે ઉંચકી લેવાતા ડેરી વર્તુળો માં આ મેટર ભારે ચર્ચાસ્પદ બની હતી.
મહારાષ્ટ્રમાં દૂધસાગર ડેરીમાંથી કોઇપણ મંજૂરી વિના સાગર દાણ મહારાષ્ટ્ર મોકલાયું હતું. જેને પગલે ડેરીને રૂપિયા 22 કરોડનું નુકસાન થયું હોવાના અક્ષેપો છે અને ચર્ચા મુજબ તત્કાલિન કૃષિમંત્રી શરદ પવારને રિઝવવા સાગરદાણ મોકલાયું હોવાનો આક્ષેપ છે.
જોકે,સમગ્ર ઘટના બાદ વિપુલ ચૌધરીનું એક લેખિત નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, આ કોઇ સાગરદાણનું કૌભાંડ નથી. આ કેસ રાજ્ય રજિસ્ટ્રારના હુકમ સામે સહકારી ટ્રીબ્યુનલ દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. આ મામલે 11.25 કરોડ ડેરીમાં જમા કરાવ્યા છે.
