કેટલાક માથાભારે તત્વો દ્વારા ગરીબો ની જમીન ઉપર કબ્જા કરવા અને ધમકીઓ આપી જમીનો મફત માં પડાવી લેવાની ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહેલા લુખ્ખાઓ ને લગામ નાથવા સરકારે તખ્તો તૈયાર કરી દીધો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જમીન ઉચાપત કાયદા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. જેમા હવેથી ગેરકાયદેસર જમીન પચાવી પાડનારને 10થી 14 વર્ષની સજા થશે. આ મામલે 6 મહિનાની અંદર કોર્ટ નિર્ણય સંભળાવશે. નાના માણસોને સલામતી મળે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ માટે 7 અધિકારીઓની કમિટી બનાવવામાં આવશે. સીએમએ વધુમાં જણાવ્યું કે, ગમે તે માથાભારે વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધી કાર્યવાહી થશે અને ફરિયાદ મળ્યાના 20 દિવસમાં જ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે દર 15 દિવસે ફરજિયાત બેઠક યોજાશે.તેઓ એ ઉમેર્યુ કે, સામાન્ય ખેડૂતોની જમીન ભૂમાફિયાઓ પડાવી લેતા હોવાની ફરિયાદો સરકારના ધ્યાનમાં આવી હતી. જેને અનુલક્ષીને રાજ્યના એકપણ ખેડૂતની કિંમતી જમીન કોઇ ભૂમાફિયો પચાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગારો-લેન્ડ ગ્રેબરો-ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકારે આ સખતમાં સખત ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યુ છે.
ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાની આવી ગૂનાહિત પ્રવૃત્તિઓ કરતા ભૂમાફિયા કે કોઇ પણ ચમરબંધીઓને આ સરકાર છોડવા માંગતી નથી. હવે આ કાયદા હેઠળ ગૂનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે. આ લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટને વધુ વ્યાપક અને કડક સજા કરી ભૂમાફિયાઓને ઠેકાણે પાડી શકાય તેવો મજબૂત એકટ બનાવવા જે જોગવાઇઓ સુનિશ્ચિત કરવામાં આવી છે તેની વધુ વિગતો આપી હતી.
