રાજ્યમાં પટેલના મતદારો ઉપર પ્રભુત્વ ધરાવતા ખોડલધામના નરેશ પટેલ હવે કોઈપણ રાજકીય પક્ષમાં નહિ જોડાય તે વાત સામે આવી છે. રાજકોટમાં નરેશ પટેલ અને ખોડધામના ટ્રસ્ટીઓની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે જોકે,આ અંગે નરેશ પટેલ ગુરૂવારે પોતાનો નિર્ણય જાહેર કરનાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નરેશ પટેલ રાજકારણમાં જોડાવા મામલે છેલ્લા કેટલાક સમયથી ભારે સસ્પેન્સ રહ્યું હતું અને ભાજપ,આપ અને કોંગ્રેસ એમ ત્રણ પાર્ટીમાંથી કઈ પાર્ટી ઉપર પસંદગી ઉતારે છે તે મુદ્દે સતત ચર્ચાઓ ચાલતી રહી હતી પણ આખરે પાટીદાર આગેવાન અને ખોડધામના ટ્રસ્ટીઓ સાથેની બેઠક બાદ તેઓએ રાજકારણમાં નહિ જોડાવા નિર્ણય લીધો હોવાનું મનાય રહ્યું છે
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે કરેલા એક સર્વે દરમિયાન વડિલોએ તેમને રાજકારણમાં ન જોડાવા સલાહ આપી હતી જ્યારે યુવાનોની વાત અલગ હતી.
જોકે આખરી નિર્ણય નરેશ પટેલ લેશે અને તેની જાહેરાત ગુરૂવારે કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ નરેશ પટેલને કોઈપણ પાર્ટીમાં ન જોડાવા સલાહ આપતું નિવેદન આપ્યું હતું.
આમ,ભારે ગડમથલ બાદ આખરે નરેશ પટેલ હવે રાજકારણમાં નહિ આવે તેવી વાત સામે આવી છે પણ ગુરુવારે નરેશ પટેલ શુ જાહેરાત કરે છે તે જોવું રહ્યું !