વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજીની મહિલા સાથે બીભત્સ વાતો કરતા હોવાની કથિત ઓડિયો ક્લિપ ફરતી થયા બાદ વિવાદ શરૂ થયો છે. આ ઓડિયો-ક્લિપ રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સંત વિવેકસાગર સ્વામીની હોવાનું કહેવાય છે. જુદી જુદી પાંચ ઓડિયો-ક્લિપમાં સ્વામીજીની બે મહિલા સાથેના પ્રેમાલાપ કરતા હોવાની વાતે ભારે હોબાળો મચાવ્યો છે.
કથિત ઓડિયો-ક્લિપમાં સ્વામી મહિલા સાથે મંદિરે આવવાની, સવારે ફોન કરવાની, આ ઉપરાંત કેટલીક બીભત્સ વાત પણ કરતા જણાય છે. કુલ પાંચ ક્લિપમાં એક યુવતી અને એક મહિલા સાથે સ્વામી વાત કરતા હોવાની ક્લિપ ફરતી થઇ છે.
સામાન્ય રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈપણ સ્વામી મહિલાનું મોં પણ જોતા નથી. ત્યારે આ ઓડિયો-ક્લિપની વાતે હરિભક્તોમાં ભારે ચર્ચા જગાવી છે,
જોકે બીજી તરફ જે આક્ષેપ થયા છે તે અંગે ખુલાસો કરતા વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે ઓડિયો કલીપ માં મારો અવાજ નથી, આમાં મારો કોઈ રોલ નથી. જેણે આ ક્લિપ ફરતી કરી છે તેમાં મારો અવાજ નથી તેથી ફરિયાદ કરવાનો કોઈ પ્રશ્ન નથી પરંતુ અમારી સામે કોઈ ફરિયાદ કરશે તો તેને અમે જવાબ આપીશું. અમારી સાથે રાગદ્વેષથી આ કૃત્ય કરાયું છે. અમે બહેનો સાથે વાત પણ કરતા નથી. અમને પણ એકબીજા મારફત દબાવવાના પ્રયાસ કરવામાં આવે છે. અમારા વિકાસના કામોની ઈર્ષાથી આવું કરવામાં આવી રહ્યું છે. ભૂપેન્દ્ર રોડ મંદિરે હતા ત્યારે પણ કરોડોના કામ થયા, વિદ્યાર્થીઓની પાઠશાળા ફ્રીમાં ચલાવીએ છીએ. આ કામ પરત્વે કોઈને કોઈની જોડે જોડીને અમારી સાથે આવું કરવામાં આવતું હોવા અંગે વિવેકસાગર સ્વામી, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જણાવાયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના આનંદસાગર સ્વામીની ભગવાન શિવજી વિશે એલફેલ બોલ્યાનો વીડિયો ફરતો થયાની ઘટના હજુ શમી નથી ત્યાંજ ફરી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજીની મહિલા સાથે બીભત્સ વાતો કરતા હોવાની કથિત ઓડિયો ક્લિપ ફરતી થતા હોબાળો મચ્યો છે.