વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17અને 18 જૂને ગુજરાતમાં છે. વડાપ્રધાન 17 જૂને ગાંધીનગર રાજભવન રાત્રિ રોકાણ કરશે. 18મી જૂને સવારે 9.15 કલાકે પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શન કરશે અને ત્યાર બાદ 11.30 કલાકે પાવાગઢ નજીક આવેલા વિરાસત વનની મુલાકાત લેશે. ત્યારબાદ વડોદરા ખાતે રેલવેના વિવિધ પ્રકલ્પોના 16,369 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડોદરાના લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે બપોરે 12:30 કલાકે “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.
આગામી 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢમાં હોય આગામી16 જૂને બપોરે 12 વાગ્યાથી 18 જૂને બપોરે 3 વાગ્યા સુધી પાવાગઢ મંદિર જાહેર દર્શન માટે બંધ રાખવાનો પાવાગઢ મંદિર ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મોદી માલવાહક રોપ-વેમાં છેક ઉપર મંદિર પરિસરમાં જાય તેવી શક્યતા છે કારણ કે જો રોપવે માં જાય તો પણ 500 પગથિયાં ચડવા પડી શકે છે જેથી સુરક્ષાના કારણોસર છેક મંદિર પરિસર સુધી તેઓ માલ વાહક રોપવે નો ઉપયોગ કરે તેવી સંભાવના છે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી અશોક પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારો ને માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડા તળાવથી માંચી સુધી રોડ માર્ગે આવશે અને ત્યાર બાદ રોપ-વેના માધ્યમથી જશે. વડાપ્રધાન મોદી ચાંચર ચોક સહિતના વિકાસ કામોનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ વડાપ્રધાન મહાકાળી માતાના દર્શન કરશે. આ સમયે પંડિતો, ભૂદેવો મંદિરમાં પૂજા વિધી કરાવશે. મંદિરની નજીક સ્ટેજ બનાવડાવામાં આવ્યો છે. જ્યાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે. જ્યાં વડાપ્રધાન ટ્રસ્ટીઓ સાથે વાર્તાલાપ કરશે. આ સમયે સંતો, મહંતો, સીએમ, ગૃહમંત્રી, ધારાસભ્યો અને સાંસદો હાજર રહેશે. આ પ્રસંગે કંજરી રામજી મંદિરના મહંત અને અખીલ ભારતીય સંત સમિતિના ઉપ પ્રમુખ રામશરણદાસજી મહારાજ સહિત 17 જેટલા સંતો હાજરી આપશે તેમ તઓએ ઉમેર્યુ હતું.