વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે બપોરે 12:30 કલાકે લેપ્રસી મેદાન ખાતે અંદાજે 5 લાખ જનમેદનીને સંબોધશે. વડાપ્રધાન આ સભામાં 21 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુર્હત કરશે.
મોદીજી વિશાળ ડોમમાં જ ખુલ્લી જીપમાં બેસી 1.25 કિલોમીટર સુધી ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલશે. વડાપ્રધાન પાવાગઢ ખાતે માં કાળીકા માતાના દર્શન કરીને લેપ્રસી મેદાન ખાતે પહોચશે. જ્યાં તેઓ ઈલેક્ટ્રીક કાર્ટ પર સવાર થઈ ડોમમાં બેસેલી જનમેદનીને મળશે. ડોમમાં બનાવેલા સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો હાજર રહેશે.
વડાપ્રધાનના સુરક્ષા બંદોબસ્તમાં આઈપીએસ કક્ષાના 20 અધિકારી,ડીવાયએસપી કક્ષાના 35 અધિકારી, પીઆઈ કક્ષાના 100 અધિકારી,પીએસઆઈ કક્ષાના 200 અધિકારી,2 હજાર મહિલા પોલીસ કર્મચારી,અન્ય જિલ્લાના 2 હજાર પોલીસ કર્મચારી,એસઆરપીની 5 કંપની, એનએસજી અને ચેતક કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે.