આજકાલ આપણી આસપાસ બનતી બિલ્ડીંગ કે ફર્નીચર કે અન્ય કામો દરમિયાન વિવિધ મશીનો ભયંકર અવાજ ફેલાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે અને આવા લોકો એટલો ઘોઘાટ ફેલાવે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે પણ હવે આવા ઘોઘાટ કરતા જવાબદારો સામે પગલાં ભરી શકાય છે વડોદરા માં આવા કિસ્સામાં ફરિયાદ થતા જવાબદાર સામે ગુનો નોંધાયો છે.
વિગતો મુજબ વડોદરાના ભાયલી વિસ્તારમાં નવી બની રહેલી સાઈટ પર ગ્રેનાઈટ-ટાઈલ્સ કાપવાના મશીનનો તીવ્ર અવાજ સામે ફરિયાદ ઉઠતા પોલીસે પ્રથમ વખત સાઈટના કોન્ટ્રાક્ટર સામે નોઈસ પોલ્યુશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે.
ભાયલી માં બની રહેલી નવી સાઈટ ઉપર કોન્ટ્રાક્ટર સંજય પંચમસિંગ રાજપુત (રહે. તુલસીભાઈની ચાલ, સલાટવાડા)એ સાઈટ ઉપર માર્બલ તેમજ ટાઈલ્સ કટિંગ કરવાના મશીન દ્વારા ભયંકર ઘોંઘાટ થતો હોવા અંગે ફરિયાદ ઉઠતા પોલીસે ‘નોઈસ લેવલ મોનિટરિંગ ડિવાઈસ’ દ્વારા અવાજની તીવ્રતા માપતાં મેક્સિમમ ડેસિબલમાં 91.2 માપ આવ્યું હતું.
આવા કિસ્સામાં એનવાયરમેન્ટ પોલ્યુશન એક્ટ 1986ની કલમ-15 મુજબ ફરીયાદ થઈ શકે છે.
રેસિડેન્સિયલ વિસ્તારમાં વધુ પડતો અવાજ થાય તે પ્રકારની કોઈ મંજૂરી કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં ન આવતાં તાલુકા પોલીસે સંજય રાજપુત વિરુદ્ધ આઈપીસી કલમ 268 તથા નોઈસ પોલ્યુશન કલમ-2000 નિયમ નં.5(1) તથા એનવાયરમેન્ટ પોલ્યુશન એક્ટ 1986ની કલમ-15 મુજબ ફરીયાદ કરી ધરપકડ કરી હતી. નોઈસ પોલ્યુશન એક્ટ મુજબ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં 70થી 75 ડેસીબલ, કોમર્શીયલ એરીયામાં 55થી 65 ડેસીબલ, અને રેસીડેન્સીયલ એરીયામાં 45થી 55 ડેસીબલ અવાજ હોવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગના અધિક સચિવ ભરત વૈષ્ણવે નોઈસ લેવલ મોનીટરીંગ ડિવાઈસના ઉપયોગથી ગુનો નોંધવા પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશાનુસાર નોઈસ લેવલ મોનીટરીંગ ડિવાઈસની ખરીદી કરવા અને ધ્વનિ પ્રદુષણ ફેલાવતા એકમો સામે પગલા લેવા અને ગુનો દાખલ કરવા પરિપત્રમાં સુચના અપાઈ છે.
આમ આવા ઘોઘાટ કરતા જવાબદારો સામે પગલાં લેવાનું શરૂ થતાં જવાબદારો ફફડી ઉઠ્યા છે.