વડોદરા માં સ્કૂલોની પ્રથમ સત્રની ફી માફ કરવાની માંગ સાથે NSUI દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતી તેઓ એ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને તાળાબંધી કરી હતી.
પ્રથમ સત્રની ફી માફી સાથે NSUIના પ્રમુખ વ્રજ પટેલની આગેવાનીમાં કાર્યકરો દ્વારા શિક્ષણાધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને શિક્ષણમંત્રી વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યાં હતા. ત્યારબાદ શિક્ષણાધિકારી યુ.એન. રાઠોડની ગાડી પાસે બેસી જઇને ફી માફ કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને શિક્ષણ કચેરીના મુખ્ય ગેટને તાળાબંધી કરી દીધી હતી.
NSUIના પ્રમુખ વ્રજ પટેલે જણાવ્યું હતું કે, વૈશ્વિક કોરોનાની મહામારીમાં અનેક વાલીઓના નોકરીઓ છૂટી ગઇ છે. વેપાર-ધંધો કરનાર વાલીઓને આર્થિક ફટકો પડ્યો છે. વાલીઓ ફી ભરી શકે તેવી સ્થિતિમાં નથી. તેમ છતાં સ્કૂલો દ્વારા ફી વસુલ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા માત્ર જાહેરાતો કરવામાં આવ્યા છે. પરંતુ, સ્કૂલોમાં અમલ કરાવવામાં આવતો નથી. સ્કૂલોમાં રજા હોવા છતાં ફી વસુલ કરવામાં આવી રહી છે અને જે વાલીઓ ફી ભરતા નથી તેવા વાલીઓ ઉપર હજી પણ દબાણ કરવામાં આવે છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અગાઉ NSUI દ્વારા સ્કૂલોમાં પ્રથમ સત્રની ફી માફ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.જેથી વધુ એક વખત સ્કૂલોની પ્રથમ સત્રની ફી માફ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આજના કાર્યક્રમ પછી પણ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. આમ સ્કૂલ ફી ની માફી અંગેનો વિવાદ વધી રહ્યો છે અને સરકાર મગ નું નામ મરી પાડતી નથી અને વેરા,પેટ્રોલ, ડીઝલ માં ભાવ વધારો કરી લૂંટવામાં પડી છે.
