અમદાવાદઃ રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU)એ ડિસેમ્બરમાં યોજાનાર પરીક્ષાઓ મોકૂફ રાખવાનો મોટો નિર્ણય લીધો છે. GTU દ્વારા 10 ડિસેમ્બરથી શિયાળુ સત્રની પરીક્ષાઓ શરૂ કરવાની જાહેરાત કરી ટાઈમ ટેબલ પણ જાહેર કરી દીધુ હતુ પરંતુ દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા અંતે GTUની આજની ડીન મીટિંગમાં પરીક્ષાઓ મોકુફ કરવા નિર્ણય લેવામા આવ્યો છે. જેને પગલે 10મીથી પીજીની પરીક્ષાઓ શરૂ નહી થાય. જીટીયુ દ્વારા પ્રથમ તબક્કામાં 10 ડિસેમ્બરથી પીજીમાં એમબીએ-એમસીએ સહિતના કોર્સમાં સેમેસ્ટર 3, 5ની પરીક્ષાઓ શરૂ થનાર હતી. જ્યારે 15 ડિસેમ્બર બાદ યુજીમાં વિવિધ કોર્સમાં સેમેસ્ટર 1, 3,5,7ની પરીક્ષાઓ શરૂ થનાર હતી. પરંતુ જીટીયુ દ્વારા તમામ પરીક્ષાઓ મોકુફ કરી દેવાઈ છે.
કોરોનાને પગલે જીટીયુ દ્વારા પરીક્ષાઓ મોકુફ કરવાની જાહેરાત કરાયા બાદ ગુજરાત યુનિવર્સિટીએ પણ પરીક્ષાઓ મોકુફ કરવાનો નિર્ણય લીધો હતો. કોરોનામા પરીક્ષાઓ લેવી અને પરીક્ષાઓ મોકુફ કરવી તેમાં પણ યુનિવર્સિટીઓ એક બીજાને અનુસરતી હોઈ તેમ ગુજરાત યુનિવર્સિટીએ પણ શિયાળુ સત્રની પરીક્ષાઓ મોકુફ કરી દીધી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા 8મીથી શરૂ થતી પ્રથમ તબક્કાની અને 17મીથી શરૂ થતી બીજા તબક્કાની તમામ પરીક્ષાઓ હાલ મોકુફ કરી દેવાઈ છે.ગુજરાત યુનિ.દ્વારા પણ વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરાઈ ચુક્યા છે.
જીટીયુ દ્વારા એપ્રિલ-મેમાં સમર સેમેસ્ટર પરીક્ષાઓ લેવાય છે અને ડિસેમ્બર જાન્યુઆરીમાં શિયાળુ સત્રની સેમેસ્ટર પરીક્ષાઓ લેવામાં આવે છે. કોરોનાને લીધે ગત ઉનાળુ સત્રની પરીક્ષાઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પૂર્ણ કર્યા બાદ ડિસેમ્બરમાં ઓડ સેમસ્ટરની વિન્ટર સેમેસ્ટર એક્ઝામ ગોઠવવામા આવી હતી. યુનિ.દ્વારા 30મી સુધી મુદત વધારી પરીક્ષાઓના ફોર્મ પણ ભરાવી દેવામાં આવ્યો છે. પરંતુ હાલ કોરોના કેસ વધી રહ્યા હોઈ સેન્ટર પર રૂબરૂ વિદ્યાર્થીઓને બોલાવવા મુશ્કેલ હોવાથી પરીક્ષા મોકુફ કરવા નિર્ણય લેવાયો છે. કુલપતિની અધ્યક્ષતામાં આજે મળેલી ડીન અને એસોસિએટ ડીનની મીટિંગમાં પરીક્ષા મોકુફ કરવા નિર્ણય લેવાયો હતો.