વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇ રાજ્ય માં ઠેરઠેર માવઠું થતા ખેડૂતો માં ચિંતા પ્રસરી છે ગત મોડી રાત થી આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્યના વડોદરા ,સુરત ,જૂનાગઢ, ભાવનગર, વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. અને ઉના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે ઉનામાં પોણાબે ઇંચ વરસાદ પડ્યા ના વાવડ છે
રાજકોટ, અમરેલી, જામનગર, દ્વારકામાં પણ વરસાદ પડ્યા ના અહેવાલો છે.
ખાંભા , ગારિયાધાર, તળાજા અને મહુવામાં વરસાદી છાંટા પડ્યા હતા.
ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેતરોમાં ઊભા પાકને નુકસાન થાય એવી શક્યતાઓને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ખાંભાના ડેડાણ, ખડાધાર, બોરાળા, ચક્રવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે હવામાન વિભાગ ની આગાહી મુજબ રાજ્ય માં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે અને શિયાળા ની ઋતુ માં લોકો એ ચોમાસા જેવો અનુભવ કર્યો હતો.
દક્ષિણ ગુજરાત ના છેવાડે દરિયા કિનારે આવેલા વલસાડ માં પણ વાતાવરણ માં બદલાવ આવવા સાથે છૂટાછવાયા વરસાદી અમી છાંટણા થતા શાકભાજી અને કેરીના ખેડૂતોના જીવ અઘ્ધર થઈ ગયા હતા, જોકે આંબા ના ઝાડ ઉપર હજી ફલાવરિંગની સિઝન શરૂ થઇ નથી,પરંતુ કેટલાક વૃક્ષો પર ફલાવરિંગ ચાલુ થઈ ગયું છે પરીણામે આવા ખેડૂતો માં ચિંતા જોવા મળી રહી છે.
કમોસમી વરસાદ ને લઈ વાતાવરણ માં ઠંડક પ્રસરી છે.
વલસાડમાં છેલ્લા બે દિવસથી વાદળિયું હવામાન સર્જાયેલું જોવા મળ્યું હતું જોકે,હવામાન વિભાગ દ્વારા 10 અને 11 ડિસેમ્બરે રાજ્ય માં કમોસમી વરસાદની આગાહીના પગલે વલસાડ માં ગુરૂવારથી તેની અસર જોવા મળી હતી અને ગતરોજ મળસ્કેથી જ આકાશમાં વાદળ છવાઇ ગયા બાદ વલસાડમાં સવારે 8 વાગ્યાના અરસામાં સામાન્ય વરસાદ પડ્યો હતો જે માહોલ બીજા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો.
