પાકિસ્તાન ની એજન્સીના ઈશારે દાઉદ ઈબ્રાહીમ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ 1997ના પ્રજાસત્તાક દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવા મોકલવામાં આવેલા વિસ્ફોટક સામગ્રી કેસમાં સંડોવાયેલા અને 24 વર્ષથી વોન્ટેડ આંતકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીની ગુજરાત ATSની ટીમે ઝારખંડના જમશેદપુરથી દબોચી લીધો છે.
ATS ને બાતમી મળી હતી કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ 1997ના પ્રજાસત્તાક દિને બોમ્બ બ્લાસ્ટ કરવા પાકિસ્તાન ની ખુફિયા એજન્સી અને દાઉદ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના કેસમાં સામેલ અબ્દુલ મજીદ મહંમદ અહમદ કુટ્ટી હાલમાં ઝારખંડ ખાતે આવેલા જમશેદપુરમાં રહે છે, આ બાતમી ના આધારે એટીએસ ટીમે તેના ઘરની બહારથી જ ઝડપી લીધો હતો. જેની પૂછપરછ દરમ્યાન જ તેણે તે કેસમાં સંડોવાયેલો હોવાની કબૂલાત કરી લીધો હતી અને છોટા રાજન, અબુ સાલેમ, છોટા શકીલ સહિત અનેક ગેંગસ્ટરો સાથે કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
વર્ષ 1996 અબુ સાલેમ સાથે દુબઇ હતો ત્યારે તેણે આ વિસ્ફોટક પદાર્થ અને હથિયાર ઘુસાડ્યા હતા.
આરોપી અબ્દુલ મજીદ કુટ્ટી ભારત છોડી બેંગકોક જતો રહ્યો હતો
ગુજરાતમાં મહેસાણામાં કેસમાં પકડાયેલા મોહમદ ફઝલ, કુરેશી શકીલ નામના આરોપી ધરપકડ કર્યા બાદ દાઉદ ઇબ્રાહિમેં કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપી અબ્દુલ મજીદ કુટ્ટી ભારત છોડી બેગકોક જતો રહ્યો હતો. 1999 સુધી ત્યાં રહી કામ કરતો હતો. પોરબંદરના મમુમિયા સાથે ઓળખાણ થઈ હતી બાદમાં સ્મગલિંગનો ધંધો શરૂ કર્યો હતો. જમશેદપુરના રહેવાસી મહંમદ ઇનામઅલી સાથે ઓળખ થઈ હતી. જેને પટનાથી મહંમદ કમાલ નામે અબ્દુલ મજીદ કુટ્ટીનો ખોટો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. ત્યાંથી દુબઈથી મલેશિયા જઇ કાપડનો વેપાર કરતો હતો. વર્ષ 2019માં મે મહિનામાં ભારત આવી જમશેદપુરમાં નામ બદલી રહેતો હતો પણ આખરે તે એટીએસ ના સકંજામાં આવી જ ગયો હતો અને હવે જેલ ભેગો થશે.