આણંદઃ શહેરો બાદ હવે ગામડાંઓમાં પણ જીવલેણ કોરોના પગપેસારો કરી રહ્યો છે. જો ગામડાંઓમાં કોરોના કેસ વધ્યા તો પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ અને ભયાનક બની જશે તેવી આગાહી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી હતી.
ગુજરાતમાં કોરોના કેસ વધી રહ્યો છે અને હવે શહેરો બાદ ગામડાંઓમાં આ જીવલેણ બિમારી પોતાનો કહેર વરતાવી રહી છે. તાજેતરમાં જ રાજ્યના આણંદ જિલ્લાના મલાતજ ગામમાં કોરોનાના કેસોમાં વધારો થતાં ગ્રામ પંચાયત દ્વારા 15 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મલાતજ ગામમાં લોકડાઉન આપવામાં આવતા ગામમાં બજારો તેમજ દુકાનો બંધ હાલતમાં જોવા મળી હતી. માત્ર જીવન જરૂરિયાતની સેવાઓ અને મેડીકલ સ્ટોર જ ખુલ્લાં રાખવામાં આવ્યાં હતાં. સવારના 6થી12 વાગ્યા સુધી ગ્રામજનોને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ખરીદવા પંચાયત દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જેનો ગ્રામજનોએ ચુસ્તપણે પાલન કરી સૌ કોઇ લોકડાઉનમાં સહભાગી થયા હતાં. ગામના માર્ગો પર ચહલ પહલ પણ પાંખી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધતા દિવસે ને દિવસે રાજ્યમાં કેસો પણ સતત વધતા રહે છે ત્યારે ગત રોજ બુધવારના રોજ વધુ નવા કેસોનો આંક 2300ને પાર થઇ ગયો છે. ગત રોજ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં #COVID19 ના વધુ નવા 2360 કેસો નોંધાયા છે જ્યારે નવા 9 દર્દીઓના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4519 એ પહોંચ્યો છે. રાજ્યમાં મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી બાજુ આજે રાજ્યમાં વધુ 2004 દર્દીઓ સાજા થયા છે તો કુલ 2,90,569 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.43 ટકા છે.