દેશ અને રાજ્યની સરકારની શોષણ નિતીના લીધે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે તો બીજી તરફ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ આપી કરવામાં આવતા આર્થિક શોષણ સામે યુવાધનમાં ભારે આક્રોશ અને અજંપો છે. રાજ્યમાં સરકારી ચોપડે ૧૫ લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે જ્યારે ન નોંધાયેલ બેરોજગારોની સંખ્યા ૩૫ લાખ એટલે કે કુલ ૫૦ લાખ બેરોજગાર યુવાન-યુવતી ભાજપની નિતીનો ભોગ બની રહ્યાં છે.
ગુજરાતના ૫ લાખ ફિક્સ પગારધારકોના હિત માટે ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટા ભાગના વિભાગોમાં નિવૃત લોકોને પુનઃ નિમણૂંક આપીને મનફાવે તે રીતે કામગીરી કરાવવામાં આવી રહી છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વધુમાં ઉમેર્યુ કે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ૨૦૦૧ થી ૨૦૧૭ના વિવિધ રિપોર્ટમાં આ બિહામણું સત્ય બહાર આવ્યું છે કે, ૧૬ વર્ષમાં ગુજરાતમાં નોકરી નહીં મળવાથી અથવા નોકરી છૂટી જતાં ૩૨૭૦ યુવાનોએ આત્મહત્યા કરી છે. ગુજરાતમાં બેરોજગારી પાછળનું એક સૌથી મોટું કારણ ઔદ્યોગિક વિકાસના પોકળ દાવા છે.”