કોરોના માં સ્કૂલો બંધ હોવા છતાં શાળા સંચાલકો ફી વસુલ કરવાની જીદ ઉપર અડયા છે ત્યારે બીજી તરફ વાલીઓ પણ હવે 50 ટકા ફી થી વધુ એક રૂપિયો નહિ આપવા અડગ રહેતા મામલો ઠેરનોઠેર રહેવા પામ્યો છે.
ઓલ ગુજરાત વાલીમંડળ પર સરકાર અને સંચાલકો સાથે સાંઠગાંઠના આક્ષેપો થતા મંડળના પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે, અમારી ફી માફીની માંગ 50 ટકાની જ છે, અમે સરકાર સાથે 25 ટકા ફી માફી મુદ્દે સંમત થયા જ નથી. જો સરકાર જીઆરમાં 25 ટકાનો ઉલ્લેખ કરશે અને ફી માફી માટે સમય મર્યાદા નક્કી કરશે તો અમારે ફરી હાઇકોર્ટમાં જવાની ફરજ પડશે.
શિક્ષણમંત્રી સાથે ફી માફીની મિટીંગમાં માત્ર ઓલ ગુજરાત વાલી મંડળને બોલાવાતા અન્ય મંડળોમાં વિરોધ થયો હતો. અન્ય મંડળોએ ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ પર આક્ષેપ કર્યો હતો કે તેઓ સંચાલકો અને સરકારની સાથે બેસીને વાલીઓનો વિશ્વાસ તોડ્યો છે. આ ઘટના બાદ રાજ્યના વિવિધ વિસ્તારોના વાલી મંડળો એક સાથે ઓલ ગુજરાત વાલી મંડળનો બહિષ્કાર કર્યો હતો. સાથે જ તમામ મંડળોએ એક સાથે આવીને એક ફેડરેશન બનાવ્યું. આ ફેડરેશન વાલીઓના પ્રશ્નોને સરકાર સુધી પંહોચાડશે. પરંતુ તેની સામે આજે ઓલ ગુજરાત વાલી મંડળે સ્પષ્ટતા કરી છે કે અમે સરકાર સાથે કોઇ સાંઠ-ગાંઠ કરી નથી. અમારી માંગ આજે પણ 50 ટકા ફી માફીની જ છે અને છેલ્લે સુધી રહેશે અને જો સરકાર અને શાળા સંચાલકો અડોળાઈ કરશે તો ન છૂટકે આ મામલો હાઈકોર્ટ માં લઇ જવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું.
