અમદાવાદમાં સાબરમતીને ચોખ્ખી કરવા 3 વર્ષમાં રૂ.282 કરોડ ખર્ચ્યા છતાં મ્યુનિ.-ઉદ્યોગોના પાપે નદીમાં કેમિકલનું ઝેરી પાણી નદીને પ્રદૂષિત કરી રહ્યું હોવાની વાત સપાટી ઉપર આવી છે.
સાબરમતીના શુદ્ધીકરણ અંગે રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે પૂછેલા પ્રશ્નમાં કેન્દ્ર સરકારે જવાબ આપ્યો હતો કે, છેલ્લાં 3 વર્ષમાં વિવિધ પ્રોજેક્ટ મારફતે 282.17 કરોડનો ખર્ચ થયો છે. હાઈકોર્ટે સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે ગત સપ્ટેમ્બરમાં ટાસ્ક ફોર્સની રચના કરી હતી.
એમીકસ ક્યૂરી નિમાયેલા એક સિનિયર વકીલે તેમના રિપોર્ટમાં કહ્યું હતું કે, ઔદ્યોગિક એકમો કેમિકલયુક્ત ઝેરી પાણી ઠાલવતા હોવાથી નદી પ્રદૂષિત થઈ છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નારોલ, દાણીલીમડા, ઓઢવ, નરોડા, વટવા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં કેટલાંક એકમો દ્વારા ગેરકાયદેસર રીતે જોખમી કેમિકલયુક્ત ગંદુ પાણી નદીમાં છોડવામાં આવે છે અને કેટલીક વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પગલાં પણ ભરવામાં આવે છે પણ ફરી પાછું બધું ચાલુ થઈ જાય છે.
ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મેનહોલમાં કેમિકલના પાણી ઠાલવવાની પ્રવૃતિ પણ વધે છે જેના કારણે પણ સાબરમતી નદી દુષિત થઇ રહી છે અને પર્યાવરણને નુકશાન થઇ રહ્યું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.