ચીનમાં ભારે વિનાશક બની રહેલો કોરોનાનો સબ વેરીએન્ટ BF.7 ભારતમાં ઓગસ્ટ 2022થી દેખા દઈ ચુક્યો હોવાછતાં ખાસ અસર કરી શક્યો નથી કારણકે ભારતના લોકોની રોગ પ્રતિકારક શક્તિ ચીનના લોકો કરતા વધુ સારી સાબિત થઈ ચૂકી છે.
આ વેરીએન્ટ ભલે ઝડપથી ફેલાવાની ક્ષમતા ધરાવતો હોય પણ તે ભારતની આરોગ્ય પ્રણાલી પર તેની કોઈ ખાસ અસર નહીં થાય કારણ કે ચેપ ગંભીર તબક્કા સુધી પહોંચશે નહીં તેમ જાણીતા તબીબોનો મત છે પણ સાવધાની રાખવી ખુબજ જરૂરી છે.
સામાન્ય રીતે આ ઋતુમાં શરદી થાય છે ત્યારે લક્ષણો પણ મળતા આવતા હોય છે ત્યારે જો સામાન્ય શરદી વધુ સમય રહે અને તાવ રહેતો હોયતો ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે.
ગળામાં દુખાવો, તાવ, વહેતું નાક, ઉધરસ, થાક, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ વગેરે જો સતત 5 દિવસ પછી પણ ચાલુ રહે તો આ સ્થિતિમાં કોવિડ ટેસ્ટ કરાવવો જ જોઇએ તેમ તબીબોનું કહેવું છે.
BF.7 એ ઓમિક્રોન પરિવારનો સબવેરિઅન્ટ હોવાથી, તેના લક્ષણો ઓમિક્રોન જેવા જ છે, જેમાં શરદી, ઉધરસ, વહેતું નાક, તાવ અને ગળામાં દુખાવોનો સમાવેશ થાય છે. બીજી તરફ, શિયાળામાં ઠંડીને કારણે લોકોને વહેતું નાક સાથે શરદી અને ખાંસી થાય છે. આવી સ્થિતિમાં, એ જાણવું મુશ્કેલ છે કે એ લક્ષણ સામન્ય શરદીના છે કે ઓમિક્રોનના છે તેથી પાંચ દિવસ જો આ સ્થિતિ રહેતો એકવાર જરૂરથી ટેસ્ટ કરાવવો જોઈએ જેથી વહેલાસર તેનો ઈલાજ થઈ શકે.