રાજ્યમાં વડોદરા, સુરતથી મુંબઈ સુધી ‘iphone’નું બ્લેક માર્કેટ ચાલી રહ્યું છે અને વડોદરાના મારવાન્સ તેમજ ધ્રુવ શાહના એપલ વર્લ્ડમાં મોટાપાયે બેનંબરનો વહીવટ થતો હોવાની વાત વચ્ચે સુરતના દૌલા અંજુમ અને તેની 100 કરતા વધુ વેપારીઓ સાથેની લિંક ભારે ચર્ચાસ્પદ બની રહી છે.
આ મોટા આકાઓના ધંધા બિન્દાસ ચાલી રહયા છે અને રેડ કે તપાસ થતી નહી હોવાથી ચોક્કસ તત્વો સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવા ઉધઈનું કામ કરી રહયા છે.
વિદેશથી માલ મંગાવીને સીધેસીધો ધંધો કરવામાં આવી રહ્યાની વાત હોવાછતાં તેની હજુ સુધી કોઈ તપાસ નહિ થતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.
વિસ્તરતી ટેક્નોલોજીનો ગેરલાભ કેટલાક મોબાઈલ માફિયા ઉઠાવી રહ્યાં છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી તેમજ રાજ્ય બહાર આવતો મોબાઈલનો બે હિસાબી જથ્થો દુકાનદારો બીલો વગર ગ્રાહકોને ખુલ્લેઆમ વેચી રહ્યાની વાત સામે આવી રહી છે અને હવેતો ખુલ્લેઆમ જાહેરાત પણ થઈ રહી છે છતાં આ માર્કેટમાં તપાસ કરવામાં આવતી નહિ હોવાનું જણાય રહ્યું છે.
લાખો રૂપિયાનો બે હિસાબી મોબાઈલનો જથ્થો તેમજ ગેરકાયદેસર ચાલતી વ્યાપારલીલા અને કરોડો રૂપિયાના મોબાઈલનો વેપાર કરનાર દુકાન માલિકો દ્રારા ગ્રાહકોને ટેક્સ ચોરીના મોબાઈલ વેચી લાખ્ખોમાં કમાણી કરી રહયા છે.
રાજય તેમજ રાજય બહારથી હોલસેલમાં દલાલો મારફતે મોબાઈલ લાવી વેચવાનો ધંધો ચાલી રહ્યો છે.
કાળા બજારિયાઓને જાણે કે હવે કાયદાનો કોઈ ડર હોય તેવું લાગતું નથી અને લાખો રૂપિયાનો બે હિસાબી વ્યાપાર ધમધમી રહ્યો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે.
વડોદરાથી વાયા સુરત,નવસારીથી લઈ છેક મુંબઈ સુધી આખી ફૌજ ઉભી થઇ છે અને મોટા મોબાઇલ વિક્રેતાઓ બેફામ કમાણી કરી રહયાની વાતો ભારે ચર્ચાસ્પદ બની છે.