દેશભરમાં ફાટી નીકળેલા કોરોના ના બેકાબુ રોગચાળા મામલે વિદેશી મીડિયા એ હલ્લો બોલાવ્યા બાદ અને હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ ની ફટકાર બાદ હવે કોરોના ને નાથવા હવે ભાજપ આગળ આવ્યું છે અને પી.એમ.કેર ફંડમાંથી ઓક્સિજન પૂરો પાડવા માટે એક ખાસ અભિયાન શરૂ કરી દીધું છે, જેના
ભાગરૂપે ગુજરાતમાં નવા 11 PSA ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જે ટૂંક સમયમાં કાર્યરત કરાશે અને વધારાનો ઉત્પાદિત ઓક્સિજનનો જથ્થો અન્ય રાજ્યોને પહોંચાડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ગુજરાત ઉદ્યોગિક રાજ્ય છે, ત્યારે ઓક્સિજનનું પણ વધુ ઉત્પાદન થઈ રહ્યું છે, જે અન્ય લોકોને મદદરૂપ થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના કોલવડા ખાતે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ ખાતે 280 PSA ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ વેળાએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં ગૃહમંત્રી અમિત શાહે ઉમેર્યું હતું કે કોલવડા ખાતે આજે 66 દર્દી સારવાર લઇ રહ્યા છે, જેમને આજથી ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ બનશે. દર મિનિટે 280 લિટર ઓક્સિજન દર્દીઓને મળશે. એટલું જ નહીં, આકસ્મિક સમય માટે ઓક્સિજન-સિલિન્ડર પણ અહીં ઉપલબ્ધ કરાશે, જેનાથી દર્દીઓને કોઈ તકલીફ પડે નહીં. આમ હવે કોરોના મામલે નેતાઓ આગળ આવ્યા છે અને ઓક્સિજન માટે મોડે મોડે કામગીરી માટે તૈયારીઓ આદરી છે.
કેટલાય લોકો હોસ્પિટલમાં ઓક્સિજન વગર તડપી તડપી ને મરી રહ્યા છે ત્યારે ભાજપ હવે પીએમ ફંડ ના નાણાં વાપરવા જઇ રહ્યું છે.